ભારતમાંથી બોરિયા-બિસ્તરા સમેટવાની તૈયારીમાં ટિકટોક, કર્મચારીઓની છટણી શરૂ
નવી દિલ્હી, ભારતમાં પ્રતિબંધનો સામનો કરી રહેલી ચીનની શોર્ટ વીડિયો શેરિંગ એપ ટીકટોક પર પ્રતિબંધ લાગ્યાના લગભગ સાત મહિના બાદ બુધવારે કહ્યું કે, તે દેશમાંથી લગભગ 2 હજારથી વધારે કર્મચારીઓની છટણી કરશે.
ટીકટોકના એક પ્રવક્તાએ કહ્યું કે, અમે 29 જુન 2020ના ભારત સરકારના આદેશનું પાલન કરાવવા માટે ઝડપથી કામ કર્યું છે. અમે સતત પ્રયાસ કરીએ છીએ કે અમારી એપ સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરે અને જે કંઈ પણ ચિંતાઓ છે તેમને દૂર કરવા માટે પુરો પ્રયાસ કરીએ.
પ્રવક્તાએ જણાવ્યું કે, એ નિરાશાજનક છે કે સાત મહિનાના પ્રયાસો છતાં તે સ્પષ્ટ નિર્દેશ નહી દેવામાં આવ્યો કે અમારી એપ કેવી રીતે અને ક્યારે ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. તે અફસોસજનક છે કે ભારતમાં લગભગ 6 મહિના પોતાના 2 હજાર કર્મચારીઓને સપોર્ટ કર્યાં બાદ અમારી પાસે છટણી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
ચાઈનીઝ યૂનિકોર્ન બાઈટડાંસના માલિકીવાળા ટીકટોકે કહ્યું કે તે ટીકટોકને ફરીથી લોન્ચ કરવા અને ભારતમાં લાખો યૂઝર્સ, આર્ટિસ્ટ, સ્ટોરીટેલર્સ, એજ્યુકેટર્સ અને પરફોર્મસને સપોર્ટ કરવાની તક મેળવવા માટે તત્પર છે. બાઈટડાંસના ટોપ એપ્સમાં ટીકટોક અને હેલો સામેલ છે.