તાંત્રિક વિધિમાં બે પુત્રીઓની હત્યા કરનાર દંપતીની ધરપકડ
તાંત્રિક વિધિના લીધે દંપતીએ મગજ પરનો કાબૂ ગુમાવ્યો-પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પતિ ભાનમાં આવ્યો હતો, પત્ની મૃતદેહ પાસે ગીતો ગાઈને ડાન્સ કરતી હતી
તિરુપતિ, મદના પિલ્લાઈ પોલીસે મંગળવારે દંપતીની ધરપકડ કરી લીધી છે, આ દંપતીએ પોતાની બે દીકરીઓની તાંત્રિક વિધિની આડમાં હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. રવિવારે પોલીસ તેમના ઘરે પહોંચી તો દંપતી તેમની દીકરીઓના મૃતદેહ પાસે બેઠું હતું.
તાંત્રિક વિધિના કારણે મગજ પર અસર પડ્યા બાદ મૃતક દીકરીઓના પિતા ડૉ. વી પુરુષોત્તમ સામાન્ય સ્થિતિમાં આવી ગયા હતા પરંતુ તેની માતા પોલીસ આવ્યા પછી પણ ભાનમાં નહોતી આવી. તે બાળકોના મૃતદેહ પાસે ગીતો ગાઈને ડાન્સ કરી રહી હતી, આ સાથે તે બૂમો પાડી રહી હતી કે કોરોના વાયરસ ચીનથી નથી આવ્યો પણ ભગવાન કળયુગમાં ‘ખરાબ તત્વો’નો નાશ કરી રહ્યા છે.
જ્યારે પોલીસ છોકરીઓની માતા પદ્મજાને કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ ગઈ તો તેણે સેમ્પલ આવવાની ના પાડી દીધી અને ત્યાં પણ બૂમો પાડવા લાગી હતી કે તેના શરીરમાંથી કોરોના વાયરસ નથી આવ્યો તો તેણે ટેસ્ટ કરાવવાની જરુર નથી. પોલીસે છોકરીઓના પિતાને પ્રથમ આરોપી ગણીને તેમની માતાને બીજા નંબરની આરોપી ગણી છે. આ દંપતીએ તેમની અલેખ્યા (૨૭) અને સાઈ દિવ્યા (૨૨) નામની દીકરીઓની કરપીણ હત્યા કરી હતી, આ ઘટના દરમિયાન તાંત્રિક વિધિ કરાઈ હોવાનું પણ જણાઈ રહ્યું છે.
મદનાપાલીના ડીપીએસ રવિ મનોહરચારીએ જણાવ્યું કે, પોલીસ અને ડૉક્ટર પદ્માજાની મેડિકલ તપાસ કરવા માટે ભારે મથામણ કરવી પડી હતી, આ કામગીરી દરમિયાન તે એવું પણ કહેતી હતી કે ભગવાન શિવનો અવતાર છે.
બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પહેલા તિરુપતીની સરકારી હોસ્પિટલ એસવીઆરઆરના મનોચિકિત્સક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી બન્નેને કોર્ટમાં હાજર કર્યા બાદ ફરી એસવીઆરઆર હોસ્પિટલના મનોચિકિત્સક વોર્ડમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.