પશ્ચિમ અમદાવાદમાં ૩૯૬ મિલકતોને સીલ કરી દેવાઈ
શહેરીજનોની પ્રાથમિક સુવિધા અને વિકાસકાર્યો કરતા મ્યુનિ. તંત્રની તિજાેરી કોરોના સામેની જંગમાં તળીયા ઝાટક થઈ ગઈ છે.-આવક ઊભી કરવા માટે તંત્ર બાકી પ્રોપર્ટી ટેક્સ વસુલાત પર ખાસ ભાર મૂકી રહ્યું છે.
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં ચાલુ નાણાંકીય વર્ષના સમાપ્તિના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે, તેમ તેમ લાખો રૂપિયાનો બાકી પ્રોપર્ટી ટેક્સ વસુલવાની ઝુંબેશ સઘન બની રહી છે. તેમાં પણ દક્ષિણ પશ્ચિમ ઝોનના જાેધપુર, વેજલપુર, સરખેજ અને મક્તમપુરા વિસ્તારમાં ૩૭૮ જેટલી કોમર્શિયલ મિકલતો ટેક્સ ખાતાએ સીલ મારી દેતા ચકચાર મચી જવા પામી હતી.
આ સાથે જ પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં કુલ ૩૯૬ જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવી છે. મ્યુનિ. ટેક્સ ખાતાના સૂત્રો મુજબ, ચાલુ નાણાંકીય વર્ષમાં કોરોનાના કારણે દરેક વેપારી અને સામાન્ય નાગરિકની હાલત ખરાબ છે. એવામાં શહેરીજનોની પ્રાથમિક સુવિધા અને વિકાસકાર્યો કરતા મ્યુનિ. તંત્રની તિજાેરી કોરોના સામેની જંગમાં તળીયા ઝાટક થઈ ગઈ છે.
એવામાં હાલમાં આવક ઊભી કરવા માટે તંત્ર બાકી પ્રોપર્ટી ટેક્સ વસુલાત પર ખાસ ભાર મૂકી રહ્યું છે.સૂત્રો મુજબ, બાકી ટેક્સ નહીં ભરનારા વેપારીઓની મિકલતો સીલ કરાતા હોબાળો મચી રહ્યો છે. મ્યુનિ.ને પણ અનેક કામો કરવા માટે નાણાંની જરૂર પડે છે અને શહેરીજનોને જે સુવિધા પૂરી પાડવામાં આવે છે.
તેના બદલાવવામાં સામાન્ય કહી શકાય તેવો ટેક્સ વસૂલ કરાઈ રહ્યો છે. તે પણ ચૂકવવામાં ન આવે તો પ્રમાણિક કરદાતાઓને અન્યાય થયો ગણાય, તેથી જ કમિશનરે બાકી ટેક્સ નહીં ભરનારાઓની મિલકતો સીલ કરવાના આદેશ આપ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં બાકી ટેક્સ વસૂલવાની ઝુંબેશ ચાલી રહી હતી. એવામાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પણ ટેક્સ ખાતાએ મિલકતો સીલ કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. હાલના મહિનામાં જ ચાર ઓફિસો, દુકાનો વગેરે પ્રકારની ૩૭૮ મિલકતોને સીલ મારી દીધા હોવાની માહિતી મળી રહી છે.
જાેકે જાેધપુર વોર્ડમાં આ પહેલા ટેક્ટ વધારા સામે આંદોલન શરૂ થયું હતું અને હવે મિલકતો સીલ કરવાનું શરૂ થતા વેપારીઓ ભાજપના કોર્પોરેટરો અને અન્ય આગેવાનોને ફોન કરીને રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આવી જ સ્થિતિ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં પણ સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં પણ ટેક્સ ખાતાએ સીલ ઝુંબેશ ચાલુ રાખતા ચાંદલોડિયામાં પુષ્પરાજ ફ્લેટ, સિદ્ધિવિનાયક સોસાયટી, મૃદુલ પાર્કના પાંચ અને ઘાટલોડિયામાં વાલ્કેશ્વર ફ્લેટ, ખોડિયારનગર, ભૂમિનગર અને લક્ષ્મણગઢની પાંચ મળીને ૧૦ જેટલી મિલકતોને સીલ મારી દીધી છે. જ્યારે જૂના વાડજ અને એલિસબ્રિજ વિસ્તારમાં પણ આઠ જેટલી મિકલતો સીલ મારી દીધી હતી.