વડોદરામાં વર્ષે 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ બનાવવાની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું ઉદ્ઘાટન
વોર્ડવિઝાર્ડ ઇનોવેશને ભારતના સૌથી મોટા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ પ્લાન્ટ્સ પૈકીના એક પ્લાન્ટનું ઉદઘાટન કર્યુઃ 6,000 લોકોને રોજગારીની તકો મળશે
ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ સમારંભમાં નવા પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું
નવો પ્લાન્ટ એક જ શિફ્ટમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે; પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતામાં દર વર્ષે 3-4 લાખ યુનિટનું ઉત્પાદન કરવા માટે સજ્જ છે
કંપની આગામી 3-4 વર્ષમાં રૂ. 500-600 કરોડની આવકનો લક્ષ્યાંક ધરાવે છે; આ ઉપરાંત ઇવી સેગમેન્ટમાં થ્રી-વ્હીલર લોન્ચ કરવા તથા યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વમાં નિકાસની પણ કંપનીની યોજના છે
ઈલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રની ટોચની કંપનીઓ પૈકીની એક વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સના ઉત્પાદન માટે ગુજરાતના વડોદરા ખાતે નવા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. કંપની Joy e-bike તથા Vyom Innovation જેવી બ્રાન્ડની માલિકી ધરાવે છે.
કંપનીએ નવા પ્લાન્ટમાં પ્રથમ તબક્કામાં એક શિફ્ટમાં દર વર્ષે 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ બનાવવાની ક્ષમતા સાથે આશરે 45 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. કંપનીએ હાઈ પરફોર્મન્સ ઇલેક્ટ્રિક બાઇક્સ- બીસ્ટ, થંડરબોલ્ટ, હરિકેન અને સ્કાયલાઇનના 4 નવા મોડલ પણ લોન્ચ કર્યા છે. નવા પ્લાન્ટને પગલે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આશરે 6,000 જેટલી રોજગારીની તકો પેદા થશે એવો અંદાજ છે.
ભારત સરકારના માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે 28 જાન્યુઆરીએ નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદઘાટન કાર્યક્રમમાં વડોદરાના સંસદસભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ અને ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે વોર્ડવિઝાર્ડ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી યતીન ગુપ્તેએ જણાવ્યું હતું કે, “આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયાના સૂત્રથી પ્રેરિત થઈને વોર્ડવિઝાર્ડ ગ્રૂપ ખાતે અમે અત્યંત ટૂંકા સમયગાળામાં કંપનીના વિસ્તરણની કામગીરી પૂર્ણ કરીને અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ.
આ વિરાટ કદમને આગળ ધપાવવા માટે શ્રી અમિત શાહના પ્રોત્સાહન અને સમર્થન બદલ હું આભાર વ્યક્ત કરું છું. અમે ઇલેક્ટ્રિક બાઇકના ચેસિસથી બેટરી સુધીના તમામ ભાગો અને ઘટકોનું ઉત્પાદન કરવાનો ઇરાદો ધરાવીએ છીએ. ઇલેક્ટ્રિક બાઇકની વધતી માંગ સાથે, અમે વર્ષ 2025 સુધીમાં એકંદર ઇવી ટુ-વ્હીલર સેગમેન્ટનો 25 ટકા બજાર હિસ્સો હાંસલ કરવાની અપેક્ષા રાખીએ છીએ.”
કંપનીએ તેની બ્રાન્ડ જોય ઇ-બાઇક હેઠળ હાઇ પરફોર્મન્સ ઇલેક્ટ્રિક બાઇક્સ – બીસ્ટ, થંડરબોલ્ટ, હરિકેન અને સ્કાયલાઇનના ચાર નવા મોડલ પણ લોન્ચ કર્યા હતા જે અભૂતપૂર્વ સ્પીડ, પાવર અને પિક-અપની સુવિધાઓથી સજ્જ છે. આ સાથે જ કંપનીના ઇ-બાઇક, ઈ-સ્કૂટરનો ઇવી પ્રોડક્ટ પોર્ટફોલિયો વધીને 10થી વધુ મોડેલ્સનો થયો છે, જે ઉદ્યોગમાં સૌથી વધુ છે.
“નવી સુવિધામાં પ્રથમ તબક્કામાં દર વર્ષે 1 લાખથી વધુ યુનિટ ઇલેક્ટ્રિક બાઇક બનાવવાની ક્ષમતા છે જેને ધીમે ધીમે 2-3 શિફ્ટ સાથે દર વર્ષે 3-4 લાખ યુનિટ સુધી વિસ્તૃત કરી શકાય છે. સ્થાનિક બજાર ઉપરાંત કંપની આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપમાં પોતાની ઇલેક્ટ્રિક બાઇકની નિકાસ કરવાની યોજના ધરાવે છે. કંપની અન્ય ઇલેક્ટ્રિક વાહન બ્રાન્ડ્સને તેની ઉત્પાદન સુવિધાઓ પ્રદાન કરવા તેમની સાથે સહયોગ કરવાની પણ યોજના ધરાવે છે. આગામી 3-4 વર્ષમાં કંપની રૂ. 500-600 કરોડની આવકનું લક્ષ્યાંક ધરાવે છે અને કંપની ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર પણ લોન્ચ કરશે, એમ શ્રી ગુપ્તેએ જણાવ્યું હતું.
ભારતે નાણાકીય વર્ષ 2019-20માં 1,56,000 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું હતું, જેમાંથી 1,52,000 ટુ-વ્હીલર્સ હતા. ગ્રાહકો પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ-અસરકારક વ્યક્તિગત પરિવહનના ઉકેલોને પ્રાધન્ય આપતા હોવાથી વર્તમાન કોવિડ-19 ની સ્થિતિ મધ્યમ ગાળા માટે ઇવી અપનાવવાના દરને વેગ આપશે તેવી અપેક્ષા છે.
એવેન્ડસ કેપિટલના રિપોર્ટ અનુસાર, 2024-25 સુધીમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટનું બજાર 12,000 કરોડ રૂપિયા થઈ શકે છે. 2024-25 સુધીમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો વ્યાપ 9 ટકા સુધી પહોંચે તેવી શક્યતાઓ છે, જે યોગ્ય આર્થિક પ્રોત્સાહક માહોલ સાથે 16 ટકા થવાની સંભાવના ધરાવે છે.
નવીનતા, ગુણવત્તા, ડિઝાઇન અને ટેકનોલોજીના પર્યાય વોર્ડવિઝાર્ડ ગ્રુપે તેના ઉત્પાદન દ્વારા એક મજબૂત બ્રાન્ડ આઈડેન્ટિટી સ્થાપિત કરી છે. કંપની બજારમાં સતત નવીન ઉત્પાદનો રજૂ કરીને વૃદ્ધિ નોંધાવવાનું લક્ષ્ય ધરાવે છે. 800થી વધુ ડીલર્સ સાથે કંપની સ્થાનિક બજારમાં મજબૂત હાજરી ધરાવે છે જેની સંખ્યા આગામી 2-3 વર્ષમાં વધીને 2,500થી વધુ થવાની સંભાવના છે.