SBIના એમડી તરીકે સ્વામિનાથન જે અને અશ્વિની કુમાર તિવારી તરીકે ચાર્જ સંભાળ્યો
મુંબઈ – દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના મેનેજિંગ ડાયરેક્ટર્સ તરીકે સ્વામિનાથન જે અને અશ્વિની કુમાર તિવારીએ ચાર્જ સંભાળ્યો છે. તેઓ 3 વર્ષ સુધી આ પોઝિશન ધરાવશે. Swaminathan J and Ashwini Kumar Tewari take charge as MD’s of SBI.
SBIના એમડી તરીકે નિમણૂક અગાઉ શ્રી સ્વામિનાથન બેંકમાં ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર (ફાઇનાન્સ) હતા, જેમાં તેઓ બજેટિંગ, મૂડી આયોજન, ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ, ટેક્ષેશન, ઓડિટ, ઇકોનોમિક રિસર્ચ, રોકાણકાર સાથે સંબંધો અને સેક્રેટરિયલ કમ્પ્લાયન્સની કામગીરી સંભાળતા હતા. શ્રી સ્વામિનાથને SBI સાથે ત્રણ દાયકાથી વધારે સમયગાળામાં એમની કારકિર્દીમાં વિવિધ જવાબદારી સંભાળી છે, જેમાં કોર્પોરેટ અને ઇન્ટરનેશનલ બેંકિંગ, ટ્રેડ ફાઇનાન્સ, રિટેલ અને ડિજિટલ બેંકિંગ અને બ્રાન્ચ મેનેજમેન્ટ સામેલ છે.
તેમણે બેંકના ડિજિટલ એન્ડ ટ્રાન્ઝેક્શન બેંકિંગ વર્ટિકલના વડા ચીફ ડિજિટલ ઓફિસર તરીકે પણ કામ કર્યું છે. શ્રી સ્વામિનાથને યોનો SBI સાથે બેંકના ડિજિટલ પરિવર્તનને વેગ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ અગાઉ શ્રી સ્વામિનાથને હૈદરાબાદ સર્કલના CGM તરીકે કામ કર્યું હતું અને SBIની ન્યૂયોર્ક ઓફિસમાં પણ કામગીરી કરી હતી. તેઓ સર્ટિફાઇડ એન્ટિ-મની લોન્ડરિંગ સ્પેશિયાલિસ્ટ (CAMS) તેમજ સર્ટિફાઇડ ડોક્યુમેન્ટરી ક્રેડિટ સ્પેશ્યાલિસ્ટ (CDCS) છે.
શ્રી તિવારીની નિમણૂક SBIનાં એમડી તરીકે થઈ એ અગાઉ SBI કાર્ડના એમડી અને સીઇઓ હતા, જેઓ SBIના કાર્ડ બિઝનેસના તમામ પાસાઓની જવાબદારી સંભાળતા હતા. SBI સાથે 1991માં પ્રોબેશનરી ઓફિસર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી તિવારી SBIમાં બેંક માટે કેટલીક કામગીરીઓનું સંચાલન કરવામાં ત્રણ દાયકાથી વધારે સમયનો અનુભવ ધરાવે છે. તેમણે બેંકની ભારત અને વિદેશી શાખાઓમાં કામ કર્યું છે.
કાર્ડ બિઝનેસની જવાબદારી સંભાળતા અગાઉ શ્રી તિવારી ત્રણ વર્ષથી વધારે સમયથી અમેરિકામાં કન્ટ્રી હેડ તરીકે SBIની કામગીરી સંભાળતા હતા, જેમાં ન્યૂયોર્ક, શિકાગો, લોસ એન્જિલસ, વોશિંગ્ટન ડીસી અને સાઓ પાઉલો (બ્રાઝિલ)માં એની ઓફિસો સામેલ છે.
તેમણે હોંગકોંગમાં પણ કામ કર્યું છે, જ્યાં તેઓ બિઝનેસ ડેવલપમેન્ટની જવાબદારી સંભાળતા હતા તથા હોંગકોંગ, ચીન, જાપાન, કોરિયા અને પડોશી વિસ્તારમાં SBIના હેડ હતા. શ્રી તિવારી ઇલેક્ટ્રિક એન્જિનીયર છે તથા સર્ટિફાઇડ એસોસિએટ ઓફ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકર્સ (CAIIB) છે. તેઓ સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર (CFP) છે અને XLRIમાંથી સર્ટિફિકેટ કોર્સ ઇન મેનેજમેન્ટ કર્યો છે.