અમિત શાહે હૉસ્પિટલ જઈને હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓના ખબર અંતર પૂછ્યા
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ગુરુવારે દિલ્હીની હૉસ્પિટલ પહોંચીને ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના ખતર અંતર પૂછ્યા.
ગૃહ મંત્રી પહેલા સિવિલ લાઇન્સ સ્થિત સુશ્રુતા ટ્રોમા સેન્ટર ગયા. ત્યાં તેઓએ હૉસ્પિટલમાં દાખલ ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત લીધી. તેઓએ પોલીસકર્મીઓના ખતર અંતર પૂછ્યા. ત્યારબાદ અમિત શાહ તીરથ રામ શાહ હૉસ્પિટલ પણ ગયા. ત્યાં પણ ઘાયલ પોલીસકર્મીઓ અને તેમના પરિજનો સાથે મુલાકાત કરી.
નોંધનીય છે કે, ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસાની ઘટનાઓમાં લગભગ 394 પોલીસકર્મી ઘાયલ થયા હતા. ગણતંત્ર દિવસે દિલ્હીમાં થયેલી હિંસા બાદ તરત જ ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી.
બીજી તરફ, ટ્રેક્ટર પરેડમાં હિંસાના એક દિવસ બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહે બુધવારે સુરક્ષા સ્થિતિ અને શહેરમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભરવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને ગૃહ મંત્રાલય તથા દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ હિસ્સો લીધો હતો.