ગોંડલ યાર્ડમાં ડુંગળી-મરચાંની બમ્પર આવક, ખરીદી રોકાઈ
રાજકોટ, સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે સતત બીજા દિવસે ડુંગળી અને મરચાની બમ્પર આવક થઇ છે. આથી યાર્ડ સત્તાધીશો દ્વારા આવક બંધ કરવાની ફરજ પડી છે.
યાર્ડની બહાર ડુંગળી અને મરચા ભરેલા વાહનોની લાંબી લાઇન લાગેલી છે. કડકડતી ઠંડીમાં ખેડૂતો ગત રાતથી જ ડુંગળી અને મરચા વેચવા માટે યાર્ડમાં આવી ગયા છે. પરંતુ આવક વધી જતા યાર્ડમાં ડુંગળી અને મરચા ઉતારવાની પણ જગ્યા રહી નથી.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ગઇકાલે યાર્ડ બહાર ચારથી પાંચ કિમી લાંબી મરચા ભરેલા વાહનોની લાંબી લાઇન લાગી હતી. આજે બીજા દિવસે યાર્ડમાં ૫૫ હજાર ભારી મરચાની આવક થઇ છે. આજે પણ યાર્ડ બહાર મરચા ભરેલા વાહનોની લાંબી લાઇન લાગી છે.
પરંતુ યાર્ડ સત્તાધિશો દ્વારા જગ્યા ન રહેતા આવક બંધ કરી છે. આજે એક મણ મરચાનો ભાવ ૮૦૦થી ૩૩૦૦ રૂપિયા સુધી બોલાયો છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ૧ લાખ બોરી ડુંગળીની આવક થઇ છે. એક મણ ડુંગળીનો ભાવ આજે ૨૫૦થી ૪૫૦ રૂપિયા સુધી બોલાયો છે.
તેમજ ડુંગળી ભરેલા વાહનોએ યાર્ડ બહાર લાંબી લાઇન લગાવી છે. આ ખેડૂતોનો વારો આવતીકાલે આવે તેવી શક્યતા છે.SSS