મિષ્ટાન ફૂડ્સનો ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 22.1 ટકા વધીને રૂ. 3.14 કરોડ થયો
અમદાવાદ, ઓગસ્ટ 14, 2019 – દેશની અગ્રણી એગ્રો પ્રોડક્ટ્સ કંપનીઓમાં (ખાસ કરીને બાસમતી ચોખાની બાબતે) સ્થાન ધરાવતી મિષ્ટાન ફૂડ્સ લિમિટેડે (એમએફએલ) 30 જૂન, 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાના અંતે રૂ. 3.14 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 22.1 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 125.93 કરોડની ચોખ્ખી આવકો નોંધાવી છે જેની સામે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ચોખ્ખી આવકો રૂ. 130 કરોડ હતી.
આ અંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિતેશ પટેલે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નફામાં થયેલા નોંધપાત્ર વધારાથી અમે ખુશ છીએ. અમે અમારા બિઝનેસમાં પરિવર્તનો લાવવા તથા ઊભરતી ગ્લોબલ બ્રાન્ડેડ બાસમતી રાઈસ કંપની તરીકે સ્થાન મજબૂત કરવા પર ધ્યાન આપવાનું ચાલુ રાખીશું. અમારા તમામ હિતધારકો માટે ટકાઉ મૂલ્ય ઊભું કરવા અને ઉચ્ચ વિકલન માટેની વ્યૂહરચનાઓ ઘડી રહ્યા છીએ.
અમદાવાદ સ્થિત એમએફએલ બ્રાન્ડેડ સૌથી ઝડપથી વિકસી રહેલી બાસમતી રાઈસ કંપનીઓમાં સ્થાન ધરાવે છે જે ખેડૂતો, વિતરકો અને ગ્રાહકો સાથે મજબૂત સંબંધો ધરાવે છે. નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન બાસમતી ચોખાનું પ્રદાન કુલ આવકોમાં 95.74 ટકાનું રહ્યું છે. એમએફએલના બાસમતી ચોખાનું વેચાણ 14,624 એમટી રહ્યું છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 14,704 એમટી રહ્યું હતું.