ફેબ્રુઆરીની શરૂઆતમાં જ બાળકને જન્મ આપશે કરીના
મુંબઈ: સૈફ અલી ખાન અને કરીના કપૂરે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે, તેઓ બીજા બાળકના માતા-પિતા બનવાના છે. પ્રેગ્નેન્સીની જાહેરાત કર્યા બાદ, કરીના પોતાની પ્રોફેશનલ કમિટમેન્ટ્સને પૂરી કરવામાં લાગી ગઈ હતી અને હાલ તે પરિવાર તેમજ ફ્રેન્ડ્સ સાથે સમય પસાર કરી રહી છે.
હાલમાં જ ફિલ્મફેર સાથે વાતચીત કરતાં, સૈફ અલી ખાને ખુલાસો કર્યો કે, કરીના કપૂરની ડ્યૂ ડેટ ફેબ્રુઆરીની શરુઆતમાં છે એટલે કે ફેબ્રુઆરીની શરુઆતમાં તે બાળકને જન્મ આપશે. જેને હવે વધારે સમય બાકી રહ્યો નથી.
તેણે ઉમેર્યું કે, હું અને કરીના છેલ્લા કેટલાક સમયથી એકદમ શાંત થઈ ગયા છે. મને નથી લાગતું કે અમે બાળકના આવવાને લઈને ડરી ગયા છે અથવા ગંભીરતાથી અનુભવી રહ્યા છે. અમારા ઘરમાં નાના બાળકો અહીંયા-ત્યાં ફરતા હશે તે વિચારીને જ ઉત્સાહિત થઈ રહ્યા છીએ’.
પ્રેગ્નેન્સીની શરુઆતમાં જ કરીના કપૂરે આમિર ખાન સાથેની તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પતાવ્યું હતું. કોરોના દરમિયાન જ તેણે ઘરે બેસીને ઘણી જાહેરાતોનું શૂટિંગ પણ કર્યું હતું અને ટ્રાવેલિંગ પણ કર્યું હતું. દિવાળી પર બેબો તૈમૂરને લઈને હિમાચલ પ્રદેશના ધર્મશાલા પણ ગઈ હતી.
જ્યાં સૈફ તેની ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યો હતો. બીજા બાળકના જન્મ પહેલા, સૈફ અલી ખાન અને કરીના કપૂર તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે.
તેમના નવા ઘરમાં મોટું ટેરેસ્, સ્વિમિંગ પૂલ, લાયબ્રેરી અને આઉટડોર એરિયા છે. આ સિવાય કપલે તેમના આવનારા બાળક માટે નવી નર્સરી પણ બનાવડાવી છે. તો તૈમૂર ખાનને પણ નવા ઘરમાં પોતાની જગ્યા મળી છે.
કરીના કપૂરે ૨૦૧૬માં તૈમૂરને જન્મ આપ્યો હતો. તે સમયે તેના નામને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારે હાલમાં જ કરીનાએ એક ચેટ શોમાં જણાવ્યું હતું કે તૈમૂરના નામ વખતે વિવાદ થયો હતો,
પરંતુ તેણે કે સૈફે હજુ સુધી બીજા બાળકના નામ અંગે કશુંય વિચાર્યું નથી. દીકરો આવશે તો શું નામ હશે, અને દીકરી આવશે તો શું નામ હશે તેનો કોઈ પ્લાન અત્યારથી કરવાના બદલે તેનું નામ છેલ્લી ઘડીએ જ રાખવામાં આવશે તેવું કરીનાએ સ્પષ્ટ કરી દીધું છે.