જ્ઞાનની કમાઈ એ ખરી કમાણી
એક ગુરુ અને શિષ્ય પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા ફરવા નીકળ્યા. ગુરુએ શિષ્યને કહયું, આજે મારી સાથે જ રહેવાનું છે.’ સવારના પહોરથી જ એ બંને જણે ચાલવા માંડયું. બપોર થતાં એક કૂવા પર આવી પહોચ્યા.
ત્યાં એક ખેડૂત કયારીઓમાં પાણી પાઈ રહયો હતો. ગુરુ શિષ્ય ત્યાં ઝાઝો સમય ઉભા રહયા. પણ ખેડૂતે એમના તરફ જાેયું પણ નહી, કયારીમાં પાણી વાળવાનું કામ કર્યા જ કર્યું. બંને આગળ ચાલ્યા. ગામમાં આવતાં એક લુહાર પરસેવાથી રેબઝેબ થયેલો હોવા છતાં લોઢાને ટીપાવવાના કામમાં મગ્ન હતો. એની નજર તો ગરમ થયેોલા લોખંડ ઉપર રહી અને ગુરુ શિષ્યની સામે જાેયું પણ નહી. સાંજના એક ધર્મશાળામાં આવ્યા. બંને થાકેલા હતા.
ત્યાં બીજા ત્રણ યાત્રીઓ પણ થાકીને બેઠા હતા. ગુરુએ શિષ્ને કહ્યુંઃ ‘તે જાેયું, કશુંક મેળવવા આપણે શું આપવું પડે છે ? ખેડૂત દિલ દઈને કામ કરે છે ત્યારે ખેતી સફળ થાય છે. લુહાર શરીર સુકવી નાખે છે. ત્યારે ધાતુ સિદ્ધ થાય છે. અને યાત્રીઓ પોતાને નિઃશેષ કરી નાખે છે, ત્યારે આખરી ધ્યેયને પહોચે છે. તે જ્ઞાનનાં થોથાં વાંચ્યાં છે, પણ તે કેટલેું જ્ઞાન એમાંથી મેળવ્યું છે ? કંઈ જ નહિ.’
જ્ઞાન તો કમાઈ છે. તે કમાઈને જ મેળવી શકાય. કર્મો દ્વારા જ્ઞાનની કયારીઓને પાણી પાવ. જીવનની જવાળામાં જ્ઞાનની ઋતુને સિદ્ધ કરો, માર્ગમાં પોતાની જાત સંભાળી જ્ઞાનના ધ્યેયને પહોચો. જ્ઞાન કોઈનું સગું નથી, જે તેને મેળવવા નીકળે છે તેની પાસે જ રહે છે. જ્ઞાનની કમાઈ એ ખરી કમાણી છે.