કૃષિ કાયદાઓથી ખેડૂતોને નુકસાન નહીં થાય, લાલ કિલ્લા પર થયું તે દુર્ભાગ્યપૂર્ણ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

નવી દિલ્હીઃ નવા દશકમાં સંસદના પહેલું બજેટ સત્ર શુક્રવારે શરૂ થયું. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી સત્રની કાર્યવાહીની શરૂઆત થઈ. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ ત્રણ કૃષિ કાયદા, ખેડૂત આંદોલન અને 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન સહન નથી.
કૃષિને વધુ લાભકારી બનાવવા માટે મારી સરકાર આધુનિક કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. તેના માટે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની શરૂઆત કરવામાં આવી છે.
છેલ્લા થોડાક દિવસોમાં થયેલા તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. જે બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદનો અધિકાર આપે છે, તે જ બંધારણ આપણને શીખવાડે છે કે કાયદો અને નિયમનું પણ એટલું જ ગંભીરતાથી પાલન કરવું જોઈએ.
ત્રણ નવા કૃષિ કાયદા બનાવતા પહેલા જૂની વ્યવસ્થાઓ હેઠળ જે અધિકાર હતા તથા જે સુવિધાઓ હતી, તેમાં કોઈ ઘટાડો નથી કરવામાં આવ્યો. પરંતુ આ કૃષિ સુધારાઓના માધ્યમથી સરકારે ખેડૂતોને નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથોસાથ નવા અધિકાર પણ આપ્યા છે.
મહામારીની વિરુદ્ધ આ લડાઈમાં આપણે અનેક દેશવાસીઓને અસમય ગુમાવ્યા પણ છે. આપણા સૌના પ્રિય અને મારા પૂર્વવર્તી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન પણ કોરાના કાળમાં થયું. સંસદના 6 સભ્ય પણ કોરોનાના કારણે અસમય આપણને છોડીને જતા રહ્યા. હું તમામ પ્રત્યે મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.