લાંભામાં મારી પસંદગીની જ પેનલ બનશેઃ શહેર કોંગી નેતાનો હુંકાર
વોર્ડ સંમેલનમાં કાર્યકરો સાથે નેતા બાખડ્યાં પ્રદેશ કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં કમઠાણ થવા એ સામાન્ય બાબત બની ગઈ છે. રાજ્યમાં અઢી દાયકા અને અમદાવાદ મનપામાં દોઢ દાયકાથી સત્તાવિહોણા હોવા છતાં કોંગ્રેસના નેતાઓ તેમની ભૂલ સુધારવા કે સ્વીકારવા તૈયાર નથી. અને અંતે કાર્યકરોની મહેનત પર પાણી ફરી વળે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણી તારીખ જાહેર થયા બાદ શહેર કોંગ્રેસના એક નેતા આ પરંપરાને આગળ વધારી રહ્યા છે. તથા એક નેતા સત્તાના નશામાં કાર્યકરો સાથે બાખડી પડ્યા હોવાની ચર્ચા કોંગ્રેસ વર્તુળોમાં ચાલી રહી છે.
અમદાવાદ શહેરના નવા સીમાંકનના પગલે મોટાભાગના વોર્ડમાં ભાજપ વધુ મજબુત બન્યું છે. પરંતુ લાંભા વોર્ડમાં કોંગ્રેસની પરિસ્થિતિ સુધરી છે. આ બાબત પ્રદેશ નેતાઓ અને દિલ્હીથી આવતા નેતાઓ પણ જાણી ચૂક્યા છે. તેથી લાંભા વોર્ડમાં સક્ષમ, શિક્ષિત અને યુવા ઉમેદવારોને તક આપવા માટે કેન્દ્રીય અને પ્રદેશ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે. તથા આ અંગે શહેર કક્ષાએ આદેશ પણ કરવામાં આવ્યો છે. પરંતુ શહેર કોંગ્રેસના એક નેતા લાંભા વોર્ડમાં ઉમેદવારોની પસંદગી માટે મનમાની કરી રહ્યા છે તથા હાઈકમાન્ડની સામે થઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. પ્રદેશ કોંગ્રેસ આંતરીક સૂત્રોનું માનીએ તો લાંભા વોર્ડમાં પ્રદેશ કક્ષાએથી આઠ ઉમેદવારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટીને સમર્પિત કાર્યકરો તથા યુવા શિક્ષિત ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ શહેર કોંગ્રેસના એક ઉચ્ચ નેતાએ તેમની અલગ પેનલ બનાવી છે. તથા કેન્દ્રીય અને પ્રદેશ નેતાગીરી સામે બળવો કરવાના હોય તેવી રીતે વર્તન કરી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યા મુજબ ગત સપ્તાહ દરમ્યાન લાંભા વોર્ડના કાર્યકરોના એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર કક્ષાના બે નેતા અને એક ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. તે સમયે શહેર કોંગ્રેસના આ મહાનુભવો ઉમેદવારોની પસંદગી લઈને સ્થાનિક કાર્યકરો સાથે જાહેરમાં બાખડ્યા હતા તથા લાંભામાં મારી પસંદગીના જ ઉમેદવારોની પેનલ બનશે તથા તેમને જ સન્માન મળશે તેવી ખુલ્લી ચેલેન્જ કાર્યકરોને આપી હતી. સંમેલનમાં હાજર રહેનાર કાર્યકરોનું માનીએ તો શહેરના આ ઉચ્ચ નેતાએ પરોક્ષ રીતે ધારાસભ્ય અને કેન્દ્રીય નેતાઓને ચેલેન્જ આપી હતી. લાંભા વોર્ડમાં પ્રથમ વખત કોંગ્રેસની પેનલ જીતી શકે તેવા એંધાણ જાેવા મળી રહ્યા છે. પરંતુ શહેર કોંગ્રેસના આ નેતા જાણે “ભાજપ” માટે કામ કરતા હોય તેવી રીતે કોંગી કાર્યકરોના અપમાન કરી રહ્યા છે. જેના કારણે કાર્યકરોમાં પણ નારાજગી જાેવા મળી રહી છે.