રાષ્ટ્રપતિના અભિભાષણનો ૧૯ પક્ષો દ્વારા બહિષ્કાર કરાયો
નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે બજેટ સત્રના પ્રારંભે સંસદના બંને ગૃહોને સંબોધતા ૨૬મી જાન્યુઆરીએ આંદોલનકારી ખેડૂતો દ્વારા યોજાયેલી ટ્રેક્ટર રેલી દરમિયાન ભડકેલી હિંસાની નિંદા કરી હતી. આ ઘટનાને કમનસીબ ગણાવવાની સાથે રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો પણ બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ત્રિરંગાની સાથે પ્રજાસત્તાક દિનનું અપમાન ખૂબ જ કમનસીબ ઘટના છે. આજે રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણનો કોંગ્રેસ સહિતના ૧૯ પક્ષોએ બોયકોટ કર્યો હતો. જાેકે, તેમાં હાજર રહેલા કોંગ્રેસના સાંસદ રવનીત સિંગ બિટ્ટુએ રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન સતત સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ અને પ્રજાસત્તાક દિન જેવા પવિત્ર દિવસનું કેટલાક દિવસ પહેલા અપમાન થયું છે. દેશનું બંધારણ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપે છે, પરંતુ તે જ બંધારણ આપણને એમ પણ શીખવે છે કે કાયદા અને નિયમનો ગંભીરતાપૂર્વક અમલ થવો જાેઈએ. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે ત્રણેય કૃષિ કાયદાનો અમલ સુપ્રીમ કોર્ટે હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. સરકાર સુપ્રીમનો જે પણ ર્નિણય હશે તેનું સમ્માન કરશે.
૧૦ કરોડથી પણ વધુ નાના ખેડૂતોને નવા ત્રણ કૃષિ કાયદાનો ફાયદો મળવાનું શરુ થઈ ગયો છે. ઘણા રાજકીય પક્ષો પણ તેને ટેકો આપે છે. નાના અને સિમાંત ખેડૂતો સરકારની પ્રાથમિકતામાં છે, આ ખેડૂતોને ટેકો કરવા માટે પીએમ-કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી તેમના ખાતામાં ૧,૧૩,૦૦૦ કરોડ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તેમ પણ રાષ્ટ્રપતિએ કહ્યું હતું.SSS