નવીદિલ્હીમાં ઈઝારાયલની એમ્બેસી પાસે આઈડી વિસ્ફોટ
નવી દિલ્હી, દિલ્હીની સરહદો પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે સંઘર્ષ અને હિંસાના દ્રશ્યો સર્જાવા લાગ્યા છે. એવામાં રાજધાની દિલ્હીના સૌથી પોશ વિસ્તાર ઔરંગઝેબ રોડ પર ઇઝરાયલ એમ્બેસી પાસે શુક્રવાર સાંજે આઈઈડી વિસ્ફોટ થતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વિસફોટ સ્થળ વિજય ચૌકથી આશરે દોઢ કિમી દૂર હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ બ્લાસ્ટના પૂરાવા મેળવવાના પ્રયત્ન કરી રહી છે. જ્યારે દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારને જડબેસલાક સીલ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ વિસફોટ સામાન્ય હતો, જેમાં કોઇ ઘાયલ થયુ ન હતું, પરંતુ આસપાસ પાર્ક કરેલી ચારથી પાંચ કારોના કાચ તૂટી ગયા હતા. દિલ્હી પોલીસ મુજબ શુક્રવારે સાંજે ૫.૪૫ વાગ્યે બ્લાસ્ટ અંગે માહિતી આપવા કોલ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨એ દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસીની કાર પર બોમ્બ હુમલો થયો હતો. આ હુમલામાં ઇઝરાયલી દૂત અને ડ્રાઇવર સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. આ હુમલા માટે જવાબદાર એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી.SSS