ડેનિયલ પર્લના હત્યારાને છોડી મુકવાના પાક. સુપ્રીમના આદેશથી અમેરિકા નારાજ
વોશિગ્ટન, અમેરિકાએ પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાને પાક સુપ્રીમ કૉર્ટ થી મુક્તિના આદેશને લઇને સખ્ત પ્રતિક્રિયા આપી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી જેન સાકીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમેરિકા, પાકિસ્તાની સુપ્રીમ કૉર્ટના ચુકાદાથી ઘણું જ ખફા છે.
અલ કાયદા સાથે સંબંધ રાખનારો બ્રિટિશ મૂળનો કુખ્યાત આતંકવાદી અહમદ ઉમર સઈદ શેખ વર્ષ ૨૦૦૨માં અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની હત્યા મામલે દોષી ઠેરવાયો હતો, પરંતુ પાકિસ્તાનની સુપ્રીમ કૉર્ટના આ આદેશ બાદ હવે તેને છોડી મુકવામાં આવ્યો છે.
જેન સાકીએ કહ્યું કે, ઘાતકી હત્યાના મામલે દોષી ઉમર સઈદ શેખને આ રીતે અપરાધ મુક્ત કરવો અને છોડી મુકવો વિશ્વના તમામ આતંકવાદ પીડિત લોકોને અપમાનિત કરવા જેવું છે. અમારી પાકિસ્તાન સરકાર પાસે માંગ છે કે આ મામલે રિવ્યૂ કરવામાં આવે અને ઉમર સઈદ શેખની વિરુદ્ધ અમેરિકામાં કાયદાકીય કાર્યવાહી કરવા જેવા લીગલ ઑપ્શન પર પણ ધ્યાન આપવામાં આવે.
આ પહેલા ગુરૂવારના પાકિસ્તાની સુપ્રીમ કૉર્ટે અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લના અપહરણ અને હત્યા મામલે બ્રિટિશ મૂળના અલકાયદા આતંકવાદી અહમદ ઉમર શેખને છોડી મુકવાની વિરુદ્ધ દાખલ કરેલી અપીલોને ફગાવી દીધી.
કૉર્ટે આ સણસણતા મામલે શેખને છોડી મુકવાનો આદેશ આપ્યો છે. અમેરિકન પત્રકારના પરિવારે આ ચુકાદાની નિંદા કરતા કહ્યું કે, ન્યાયની સંપૂર્ણ રીતે મજાક બનાવી દેવામાં આવી છે. વર્ષ ૨૦૦૨માં કરાચીમાં ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના દક્ષિણ એશિયા બ્યૂરો પ્રમુખ પર્લ (૩૮)નું એ સમયે અપહરણ કરી લેવામાં આવ્યું હતુ, જ્યારે તે પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ અને અલકાયદાની વચ્ચે સંબંધો પર એક સમાચાર માટે જાણકારી ભેગી કરી રહ્યો હતો. ત્યારબાદ માથું કાપીને તેની હત્યા કરી દેવામાં આવી. શેખ અને તેના ત્રણ સાથીઓને આ મામલે દોષી ઠેરવવામાં આવ્યા હતા અને સજા સંભળાવવામાં આવી હતી.
સુપ્રીમ કૉર્ટે સિંધ હાઇકોર્ટના એ ચુકાદાની વિરુદ્ધ સિંધ પ્રાંતિય સરકારની અપીલને ફગાવી દીધી, જેમાં પર્લની હત્યા માટે શેખની સજાને સમાપ્ત કરી દેવામાં આવી હતી. ત્રણ ન્યાયાધીશોવાળી એક ખંડપીઠે શંકાસ્પદને છોડી મુકવાનો આદેશ પણ આપ્યો. ખંડપીઠના એક સભ્યએ ચુકાદાનો વિરોધ પણ કર્યો. સિંધ સરકાર અને ડેનિયલ પર્લના પરિવારે હાઈકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી હતી. પર્લ પરિવારના વકીલ ફૈસલ સિદ્દીકીએ જણાવ્યું કે, પર્લના માતા-પિતા રૂથ અને જુડિયા પર્લે એ ચુકાદાની નિંદા કરી છે જે દરેક જગ્યાએ પત્રકારોના જીવનમાં ખતરો નાંખે છે.HS