વૈયા નજીક ખેતરમાં રખોપું કરતા માતા-પુત્રીની નજીક દીપડો દેખાતાં ભાગ્યા
અરવલ્લીની ગીરીમાળાઓમાં વસવાટ કરતા દીપડાઓ માનવ વસાહત તરફ આંટા ફેરા મારતા લોકોમાં ફફડાટ ફેલાયો છે દસ દિવસ અગાઉ કુંભેરા પંથકમાં બે દિવસમાં બે બકરાનું મારણ કરનાર દીપડો ફરીથી વૈયા પંથકમાં જોવા મળતા લોકો ભયભીત બન્યા છે
વૈયા નજીક આવેલ રામદેવ આશ્રમ નજીક આવેલા ખેતરમાં રખોપું કરતા અને ભર નીંદરમાં રહેલા માતા-પુત્રી નજીક દીપડો આવી પહોંચતાનો અણસાર આવી જતા માતા-પુત્રીએ લાઈટ પાડતા સામે દીપડો દેખાતા માતા-પુત્રી દીપડો હુમલો કરે તે પહેલા દોટ મૂકી નજીકમાં રહેલા ઘરમાં પહોંચી જીવ બચાવી લીધો હતો
મહિલા દીપડાથી બચવા ખેતરમાં બે વાર તો પડી ગઈ હોવાનું જણાવ્યું હતું સ્થાનિકોએ બૂમાબૂમ કરતા દિપડો નાસી છૂટયો હતો. દીપડાનાં પગના નિશાન મળતા વનવિભાગે પાંજરૃં મુકવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોએ દિપડાને પકડવાની માંગણી કરી છે.
મેઘરજ તાલુકામાં જંગલ વિસ્તારો નજીક આવેલ ગામોમાં દીપડો દેખાવાની કેટલીયે વાર બૂમો ઉઠી હતી. બેડઝ વિસ્તારના જંગલમાં છેલ્લા દસ દિવસમાં બીજીવાર દીપડાએ દેખા દેતા આજુબાજુના વિસ્તારોમાં પણ દીપડાને લઈને ડર વ્યાપ્યો છે. ખેડૂતો રાત્રીના સમયે પોતાના ખેતરોમાં જતાં ડરી રહ્યાં છે
ત્યારે દીપડો ઝડપથી પાંજરે પુરાય તેવી ગ્રામીણ લોકોની માંગ ઉઠી છે.વૈયા ગામ નજીક દીપડો જોવા મળતા લોકોએ આ અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા વનવિભાગની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર જઈ દીપડાના પંજાની તપાસ કરતાં પંજાના નીશાન દીપડાના હોવાનું જણાઈ આવ્યું હતું જે બાબતે ફોરેસ્ટ વિભાગ સતર્ક થઈ પાંજરૂ મુકવાની તજવીજ હાથ ધરી હતી.
મેઘરજના જંગલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાથી ગ્રામજનો પોતાના પશુઓને ઘરેથી ચરાવવા જવાનું ટાળી રહ્યા છે. તદુ ઉપરાંત એકલદોકલ ખેડૂતોને દીપડાનો ભય સતાવી રહ્યો છે. વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકી દીપડાને પકડવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે.