ઉત્તર પ્રદેશ: આગ્રા હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 10 મુસાફરનાં મોત
મોરાદાબાદ: ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે એક ભયંકર અકસ્માત થયો છે. અહીં બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 10 મુસાફરના મોત થયા છે. પ્રાથમિક અહેવાલ સાત લોકોનાં મોત થયાના આવ્યા હતા. જે બાદમાં મૃતકોની સંખ્યા વધીને 10 થઈ હતી.
અકસ્માતને પગલે બસમાં સવાર 25થી વધારે લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસના ઊચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મોરાદાબાદથી આશરે 18 કિલોમીટર દૂર કુંદરકી વિસ્તારમાં આ અકસ્માત બન્યો હતો. એવી પણ માહિતી મળી છે કે ટ્રક અને બસની ટક્કર બાદ ત્રીજું વાહન પણ તેની સાથે અથડાયું હતું. ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત થયો હતો.
અકસ્માતને પગલે સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને ઘટના સ્થળે દોડી જવાનો આદેશ કર્યો હતો. લોકોને જરૂરી તમામ મદદ પહોંચાડવાનો આદેશ પણ કર્યો હતો. આ સાથે મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોએ 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત લોકોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ડીએમ, એસએસપી અને સીએમઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
એસએસપીએ જણાવ્યું હતું કે, “ફૉરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. બચાવ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અહીં ત્રણ વાહન એકબીજા સાથે અથડાયા હતા. ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત સર્જાયો હતો.”