હથેળીમાં સમાઈ જાય તેટલા વજનનું બાળક સુરતમાં જન્મ્યું
સુરત, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં અધૂરા મહીને જન્મેલા બાળકની સારવાર કરવામાં આવી રહી છે. બાળક ૭૦૦ ગ્રામ વજન સાથે પોણા ૬ મહિને જન્મ્યું હતું અને ત્યારબાદ તેને સુરતની એક હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. સુરતના તબીબ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી.
૩ મહિનાની સારવાર બાદ આખરે બાળકનું વજન પણ વધ્યું હતું, અને તે બિલકુલ સ્વસ્થ થયું છે. બાળક જન્મે ત્યારે સામાન્ય રીતે તેનું વજન અઢી કિલોથી વધુ હોવું જાેઈએ. પરંતુ કેટલાક કિસ્સાઓમાં બાળક અધૂરા માસે જન્મે છે અને તેનું વજન ઓછું હોવાથી તેના સ્વાસ્થ્ય પર અસર પડે છે.
કેટલાક કિસ્સાઓમાં બાળકને બચાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના વરાછા રોડ પર આવેલી ધી નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં પોણા ૬ મહિને જન્મેલા એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યું હતું.
બાળક જન્મ્યું ત્યારે તેનું વજન માત્ર ૭૦૦ ગ્રામ જેટલું હતું. બાળકને બચાવવું ત્યારે ખુબ જ અધરું હતું. હોસ્પિટલના ડો. નિકુંજ પઢશાળા દ્વારા બાળકની સારવાર કરવામાં આવી હતી. અંદાજિત ૩ મહિના સુધી બાળકની સારવાર ચાલી હતી અને આખરે બાળક સ્વસ્થ થયું છે.