દિલ્હી ટ્રેક્ટર પરેડ હિંસા બાદ ૧૦૦થી વધારે લોકો ગાયબ
નવી દિલ્હી: ખેડૂત સંઘોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ દાવો કર્યો હતો કે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ ૧૦૦થી વધુ લોકો ગુમ થયા છે અને આ અંગે તપાસ કરવા માટે ૬ સભ્યોની કમિટીની રચના પણ કરવાામાં આવી છે.
એક નિવેદનમાં જણાવાયું છે કે સંયુક્ત કિસાન મોરચો ગુમ થયેલ લોકોની માહિતી એકઠી કરશે અને આ મામલાને ઔપચારિક કાર્યવાહી માટે અધિકારીઓ સમક્ષ ઉઠાવવામાં આવશે. તેમણે કહ્યું કે ગુમ થયેલ લોકો વિશેની કોઈપણ માહિતી ૮૧૯૮૦૨૨૦૩૩ ફોન નંબર પર શેર કરી શકાય છે.
૨૬ જાન્યુઆરીએ ખેડૂત યુનિયનોની ટ્રેક્ટર પરેડ દરમિયાન ત્રણ નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે હજારો પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આ સમય દરમિયાન ઘણા વાહનો પલટી ગયા અને ઐતિહાસિક લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓએ ધાર્મિક ઝંડો ફરકાવ્યો હતો. આ દરમિયાન દિલ્હીમાં ઘણી જગ્યાએ અથડામણ થઈ હતી,
જે થોડીવારમાં હિંસામાં ફેરવાઈ ગઈ હતી. સંયુક્ત કિસાન મોરચાએ પત્રકારો અને અન્યની ધરપકડની નિંદા કરી હતી. મોરચાએ દાવો કર્યો હતો કે આક્ષેપો ખોટા અને બનાવટી છે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂત આંદોલનની વધતી શક્તિથી ડરી ગઈ છે. આ ઉપરાંત, તેમણે દિલ્હીની સરહદ પર વિવિધ પ્રદર્શન સ્થળ પર ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાની પણ ટીકા કરી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર નથી ઈચ્છતી કે વિરોધ કરનારા ખેડૂતોને તથ્યો વિશે જાણકારી મળે તે વિવિધ વિરોધ સ્થળોએ ખેડૂત સંઘોના એક સાથે વિરોધ કરવાથી ડરી ગઈ છે અને તે તેમની વચ્ચેનો સંદેશાવ્યવહાર અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ અલોકતાંત્રિક અને ગેરકાયદેસર છે.
મોરચાએ પ્રદર્શન સ્થળોની ઘેરાબંદી અને સામાન્ય લોકો અને મીડિયાકર્મીઓને સિંઘૂ બોર્ડર સુધી પહોંચતા અટકાવવા અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા હતા. નિવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ખોરાક અને પાણીના સપ્લાયને અટકાવવા માટે પણ આવું કરવામાં આવ્યું છે.
મોરચાએ દાવો કર્યો હતો કે શાહજહાંપુરમાં આંદોલનમાં ભાગ લેનારા મહારાષ્ટ્રના એક વિરોધ પ્રદર્શનકારીનું રવિવારે મોત નીપજ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શાયરા પાવરા માત્ર ૨૧ વર્ષની હતી અને તેમના બલિદાનને યાદ રાખવામાં આવશે. મોરચાએ કહ્યું કે રવિવારને સદભાવના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને દેશભરમાં ઉજવવામાં આવ્યો છે.