બાવળાની બંધ મિલના ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો
બોલાચાલી બાદ ગાર્ડ ઉપર લાકડી-લોખંડના સળિયાથી ફટકારી પગ બાંધીને ફરાર થયેલા ત્રણ શખ્સો ઝડપાયા
અમદાવાદ, બાવળામાં આવેલી બંધ મિલના સિક્યોરિટી ગાર્ડની હત્યાનો ગુનો પોલીસે ઉકેલી ૩ લોકોની ધરપકડ કરી છે. બંધ મિલમાં ભંગાર ચોરી માટે આવેલા ત્રણ શખ્સો સાથે સિક્યોરિટી ગાર્ડની બોલાચાલી થયા બાદ ગાર્ડ પર લાકડી અને લોખંડના સળિયા વડે હુમલો કરી પગ પર રૂમાલથી ગાંઠ બાંધી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજા થવાના લીધે ગાર્ડનું મત્યું થયું હતું. આ ઘટનામાં પોલીસે ૧૦૦ જેટલા ભંગારના ધંધાર્થીઓને ફૂટેજ બતાવી વિગતો મેળવી હતી અને આરોપીઓ બાવળા છોડી રાજકોટ ભાગે તે પહેલા પકડી પાડ્યા હતા.
વિષ્ણુ રાવળના પિતા પ્રભુ રાવળ (ઉ.વ.૫૫) રજાેડા ગામની સીમ પાસે ૩૦ વર્ષથી બંધ પડેલી ગણપતિ પેપર મિલની અવાવરૂ જગ્યાએ ૯ વર્ષથી વોચમેન તરીકે દેખરેખ રાખતા હતા. બંધ મિલમાં જૂના લોખંડની અને કોપરની મશીનરી જર્જરીત હાલમાં ખુલ્લામાં પડેલી હોવાથી અવાર નવાર નાની-મોટી ભંગારની ચોરીઓ થતી હતી.
૨૬ જાન્યુઆરીના રોજ પ્રભુ રાવલ મિલમાં હાજર હતા ત્યારે બપોરે ચોરી કરવાના ઈરાદે આરોપીઓએ પેપર મિલની બારીનો દરવાજાે તોડી અંદર પ્રવેશ્યા હતા અને લોખંડનો ભંગાર ચોરવાની કામગીરી કરતા હતા.
આ દરમિયાન ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પ્રભુ રાવલ અંદર આવતા તેમણે ચોરી કરતા ઈસમોને જાેઈ ગાળો બોલવા લાગ્યા હતા.
ત્યારબાદ પ્રભુ અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી ચોરી કરવા આવેલા ત્રણેય શખ્સોએ પ્રભુભાઈના હાથમાંથી લાકડી છીનવી લઈ તેમને લાકડીથી માર માર્યો હતો.
ત્યારબાદ બાજુમાં પડેલો લોખંડનો સળિયો માથામાં મારી અને પગના ભાગે પણ ગંભીર ઈજાઓ કરી રૂમાલ વડે પ્રભુ રાવળના પગ પર ગાંઠ બાંધી ત્યાંથી ભાગી ગયા હતા.
જેથી ગંભીર ઈજા થવાના લીધે પ્રભુ રાવળનું મોત થયું હતું. બાવળા પોલીસ મથકમાં નોંધાયેલો હત્યાનો ગુનો ઉકેલાયો ન હોઈ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે સૂચના આપતા ગુનો ઉકેલવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. બાતમીદારો તરફથી જાણવા મળ્યું હતું કે, બપોરના સમયે ત્રણ શખ્સો અને બે મહિલા મિલ તરફ જતાં જણાઈ આવ્યા હતા અને થોડી વારમાં જ તેઓ પરત પણ આવ્યા હતા.
જેથી એક માત્ર કડીના આધારે સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. આ ગુનામાં ભંગાર ચોરી કરતા લોકો સંડોવાયેલો હોવાથી તે દિશામાં કામગીરી શરૂ કરી હતી. આજુબાજુમાં ભંગાર લે વેચ કરતા ૧૦૦ જેટલા લોકોને ફૂટેજ બતાવતા તેમજ પૂછપરછ કરતા હત્યામાં સંડોવાયેલા લોકો બાળવા ટાઉનમાં આલોક સિટી સોસાયટી વિસ્તારની સામે મેદાનમાં રહેતા હોવાનું અને રાજકોટ ભાગી જવાની તૈયારીમાં હોવાની વિગતો મળતા પોલીસે ત્રણેય શખ્સોને ત્યાંથી પકડી પાડ્યા હતા.
તેમની પૂછપરછ કરતા તેમણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેમની પાસેથી હત્યામાં વપરાયેલા હથિયારો કબજે લીધા હતા. ઉપરાંત, મોબાઈલ ફોન પણ કબજે લેવાયો છે. આરોપીઓના કોરોના ટેસ્ટ કરાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.