બનાવટી સ્ટીકર સાથે ડુપ્લીકેટ બીડીનો લાખોનો જથ્થો પકડાયો
અમદાવાદ: શહેરમાં તંબાકુ માફિયાઓનો આતંક જાણે કે, વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બાપુનગર પોલીસે નકલી ગુટખાનો જથ્થો પકડ્યો હતો ત્યારે હવે કાલુપુરમાંથી હલકી ગુણવત્તા વાળી ડુપ્લીકેટ બીડીનો ૪.૫૧ લાખનો જથ્થો પકડાયો છે.
પોતાની આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે ગુટખા તંબાકુ માફિયાઓ આડેધડ ડુપ્લીકેટ તંબાકુની સામગ્રીનો વેચાણ કરી રહ્યા હોવાની વાતને નકારી શકાય નહીં. લોકોના જીવનની સાથે ચેડા કરીને પોતાનું ઘર ભરનાર લોકો સામે હવે કાર્યવાહી પણ કરાઈ રહી છે.
ભાવનગરમાં રહેતા રફીકભાઈ લાખાણી ચારભાઈ બીડી કંપનીમાં રિપ્રેઝન્ટેટિવ તરીકે નોકરી કરે છે. તેઓને કાલુપુર પોલીસ તરફથી જાણ કરવામાં આવી હતી કે, બે લોકોને ચારબાઈ, ટેલિફોન, સંભાજી બીડી તથા અન્ય લુઝ પેકેટ સાથે પકડ્યા છે. ઝુબેર કુરેશી અને આદિલ અન્સારી નામના બે શખશો બનાવટી સ્ટીકર અને બીડી બનાવવાના સાધનો સાથે પકડાયા હતા.
જેથી તેઓ અમદાવાદ આવ્યા અને કાલુપુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તેઓને મુદ્દામાલ બતાવ્યો તો હલકી ક્વોલિટીના કાગળ, પેકિંગ મટીરીયલ અને હલકી ગુણવત્તાનું તંબાકુ હોવાનું પોલીસને ચકાસીને જણાવ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આ બને શખશોને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી ૪.૫૧ લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ખોખરા વિસ્તારમાંથી ડુપ્લીકેટ તંબાકુ અને ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હતી. બાપુનગર પોલીસે પણ ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો પકડ્યો હતો.
વળી પાછું શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી સોદાગરની પોળના મકાનમાં ડુપ્લીકેટ તંબાકુનો જથ્થો સંઘરીને રાખવામાં આવ્યો હોવાથી પોલીસે દરોડા પાડીને જશવંત છાપ, ટેલીફોન બીડી તેમજ અન્ય રજીસ્ટર થયેલી બીડીઓના નામનો ખોટો ઉપયોગ કરીને બનાવટી માલ બનાવી હલકી કક્ષાની બીડીઓનો જથ્થો પકડી પાડ્યો હતો.
પોલીસે જુહાપુરામાં રહેતા મોહમદ આદિલ અન્સારી અને મકાન માલિક જુબેર સામે કોપીરાઈટની કલમો મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.