અરવલ્લી પોલીસે અકસ્માત સ્થળેથી મળેલ સોનાની ચેન ઈજાગ્રસ્તને પરત કરી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી પોલીસ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે. જેની પ્રતીતિ કરાવતા અનેક કિસ્સાઓ અને પ્રસંગો જીલ્લા પોલીસતંત્રમાં જોવા મળ્યા છે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિનેશભાઇ કલાભાઇ નામના પોલીસકર્મીને ત્રણ મહિના અગાઉ સાતરડા નજીક અકસ્માત સ્થળેથી દોઢ તોલાની સોનાની ચેન મળી હતી
અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ યુવક સારવાર કરાવી માલપુર પોલીસ સ્ટેશન પહોંચતા યુવકને સોનાની ચેન પોલીસકર્મીએ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી માનવતા મહેકાવી હતી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે પોલીસકર્મીની પ્રામાણિકતાની સરાહના કરી હતી માલપુર પીઆઇ એફ એલ રાઠોડે પણ પોલીસકર્મીની પીઠ થાબડી હતી
બાયડની વલ્લભનગર સોસાયટીમાં રહેતા શ્રીકાંતભાઈ રઘુનાથપ્રસાદ પરીખ ત્રણ મહિના અગાઉ બાઈક લઈને કામકાજ અર્થે નીકળ્યા હતા માલપુરના સાતરડા ગામની સીમમાં તેમની બાઈક અન્ય બાઈક સાથે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં શ્રીકાંતભાઈ ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી .
અકસ્માતની ઘટનામાં શ્રીકાંતભાઈની સોનાની ૧૫ ગ્રામની ચેન તૂટી અકસ્માત સ્થળે પડી ગઈ હતી અકસ્માતની ઘટનાના પગલે માલપુર પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી દીધા હતા
અકસ્માતના સ્થળેથી દિનેશભાઇ નામના પોલીસકર્મીને દોઢ તોલાની સોનાની ચેન મળી આવી હતી સોનાની ચેન માલપુર પોલીસ સ્ટેશન સુપ્રત કરી હતી અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્રીકાંતભાઈ સારું થઇ જતા સોમવારે માલપુર પોલીસસ્ટેશન પહોંચતા પોલીસકર્મીએ સોનાની ચેન પરત આપતાં શ્રીકાંતભાઈ પરીખે પોલીસકર્મી અને માલપુર પોલીસની સરહાન કરી આભાર વ્યક્ત કર્યો હતો.