ઈસનપુરમાં શહેર કોંગી નેતાની “મારા તે સારા”ની નીતિ
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની હદમાં ૧૯૮૬-૮૭માં સમાવિષ્ટ કરવામાં આવેલા ઈસનપુર વોર્ડને “મીની ખાડીયા” પણ કહેવામાં આવે છે. જેનું મુખ્ય કારણ છેલ્લા સાડા ત્રણ દાયકાથી અહીં ભાજપનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને સમ ખાવા પૂરતી પણ એક સીટ મળી નથી. તેમ છતાં શહેર કોંગ્રેસના નેતાઓ શીખવા કે સુવિધા માટે લેશમાત્ર તૈયાર નથી. જેના કારણે ૨૦૨૧માં પણ કોંગ્રેસ તમામ બેઠકો ગુમાવે તેવી ભીતી સ્થાનિક કાર્યકરોમાં જાેવા મળે છે.
મ્યુનિ.કોર્પાેરેશનના દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર વોર્ડમાં ૧૯૮૬-૮૭થી ૨૦૨૧ સુધી ભાજપનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે. ઈસનપુરમાં ભાજપની જીતનું મુખ્ય કારણ કોંગ્રેસની નિષ્ક્રિયતા માનવામાં આવી રહી છે. ઈસનપુર કોંગ્રેસના નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ જાહેરમાં જાેવા મળે છે. અન્યથા નાના-મોટા કાર્યકરોથી જ કામ ચાલી રહ્યું છે. આ વોર્ડમાં છેલ્લા ૩૫ વર્ષમાં પાર્ટી કે પ્રજાલક્ષી કોઈ જ કાર્યક્રમ થયા નથી તથા પાર્ટી સંપૂર્ણપણે એકાદ-બે નેતા કે પરિવાર પૂરતી જ સાબિત હોય તેવો માહોલ જાેવા મળે છે. ઈસનપુર વોર્ડમાં બ્રહ્મસમાજના મતોને નિર્ણાયક માનવામાં આવે છે. તેમ છતાં શહેર કોંગ્રેસના ઉચ્ચ નેતા દ્વારા બ્રહ્મસમાજની થતી અવગણનાના કારણે કાર્યકરોમાં વ્યાપક રોષ ભભૂકી ઉઠ્યો છે.
સ્થાનિક કાર્યકરોના જણાવ્યા મુજબ વોર્ડમાં ૧૫ હજાર કરતા વધુ મતો બ્રહ્મસમાજના છે. તેમ છતાં શહેરના એક ઉચ્ચ નેતા “મારા તે સારા”ની નીતી અપનાવી રહ્યા છે. તથા કોંગ્રેસના કાર્યકર ન હોય તેવા ઉમેદવારની પસંદગી કરી રહ્યા છે. શહેરના નેતા પાર્ટીને ફાયદો થાય તેવા નિર્ણય લેવાના બદલે તેમના પરીવારીક સંબંધોને ફાયદો થાય તેવો નિર્ણય લેવા જઈ રહ્યા છે. જેનો ઈસનપુર કોંગ્રેસના તમામ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. ૨૦૨૧ની ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે એકાદ-બે બેઠક આવી શકે તેમ છે. પરંતુ શહેર નેતાનો પરિવારવાદ પાર્ટીને નુકસાન કરી રહ્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.