ભારત સરકાર પ્રદર્શનોને રોકવા માટે વારંવાર ઇન્ટરનેટ પ્રતિબંધનો સહારો લે છે: ચીન
બીજીંગ, ભારતની સાથે મધુર સંબંધોની વાત કરનાર ચીનએ ખેડૂત આંદોલનના બહાને ફરીથી ઝેર ઓકયું છે. ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક આર્ટિકલમાં લખ્યું છે કે ભારત સરકારને અસ્થિર થવાનો ડર સતાવી રહ્યો છે. આથી તેમણે કેટલીક જગ્યાઓ પર ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આપને જણાવી દઇએ કે ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં થયેલી હિંસા બાદ અફવાઓને રોકવા માટે સરકારે એનસીઆરના કેટલાંક હિસ્સામાં ઇન્ટરનેટ પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો હતો, તેને આધાર બનાવીને બેઇજિંગે ભારતની વિરૂદ્ધ નિવેદનબાજી કરી છે.
ચીનની કોમ્યુનિસ્ટ સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં શિન્હુઆ યુનિવર્સિટીમાં નેશનલ સ્ટ્રેટેજી ઇન્સ્ટિટ્યુટના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડાયરેકટર કિયાન ફેંગનો લેખ પ્રકાશિત થયો છે. ફેંગે લખ્યું છે કે ભારતમાં ખેડૂતોનું આદોલન ચાલી રહ્યું છે. તેના જવાબમાં ભારત સરકારે નવી દિલ્હીની આસપાસ કેટલાંય વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે જ્યાં ખેડૂત નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. તેના પરથી ખબર પડે છે કે સરકારને અસ્થિર થવાનો ડર સતાવી રહ્યો છે.
લેખમાં કહ્યું છે કે ભારતીય ખેડૂતોના પ્રદર્શનને વધતું જાેઇ મોદી પ્રશાસનને ઇન્ટરનેટને સસ્પેંડ કરવા અને મીડિયા કંટ્રોલનો રસ્તો પસંદ કર્યો છે, જેથી કરીને સામાજિક સ્થિરતા અને શાસનના પાયા પર અસરને રોકી શકાય. કિયાન ફેંગે આગળ લખ્યું છે કે ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પોતાની બહુમતીના દમ પર સંસદમાં આ કાયદાને ઉતાવળમાં પસાર કર્યો અને વિપક્ષની અપીલોને નજરઅંદાજ કરી દીધી. તેના લીધે વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર ખેડૂતો અને લોકતંત્રની વિરૂદ્ધ કામ કરવાનો આરોપ લગાવી રહી છે. અખબારે એમ પણ કહ્યું છે કે પ્રદર્શનકારી સરળતાથી માનશે નહીં અને આ સંકટ ટૂંક સમયમાં ખત્મ થશે નહીં.
લેખમાં કહ્યું છે કે ભારત સરકાર પ્રદર્શનોને રોકવા માટે વારંવાર ઇન્ટરનેટ પ્રતિબંધનો સહારો લે છે. દુનિયાના બીજા દેશોની જેમ ભારતમાં પણ વધુ પ્રદર્શન સોશિયલ મીડિયા દ્વારા મેનેજ કરાય છે પરંતુ મોટાભાગે ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવતા ખબર પડી કે ભારત સરકારની પાસે આવા સંકટોને ઉકેલવા માટે વધુ વિકલ્પ નથી. તેઓ માત્ર ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી શકે છે.
ભારતની વિરૂદ્ધ નિવેદનબાજી કરનાર ચીનની દમનકારી નીતિઓથી આખી દુનિયા વાકેફ છે. ઉઇગર મુસલમાનોની વિરૂદ્ધ તેના અત્યાચારના કેટલાંય રિપોર્ટ સામે આવી ચૂકયા છે. ચીનમાં અવાજ ઉઠાવનારાઓને હંમેશા માટે ખામોશ કરી દેવામાં આવે છે. હોંગકોંગમાં વિરોધ-પ્રદર્શનોને બળપૂર્વક કચડવા તેની આદતમાં સામેલ છે. તો તિબેટમાં તેના શોષણની વાર્તા કોઇનાથી છુપાયેલી નથી. તેમ છતાંય બેઇજિંગ ભારતમાં ઇન્ટરનેટ પ્રતિબંધને લઇ મોટી-મોટી વાતો કરી રહ્યું છે.HS