કોરોનાના ૮ મહિના બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, રિકવરી રેટ ૯૭ ટકાએ પહોંચ્યો
નવીદિલ્હી, ભારતમાં કોરોનાના વળતા પાણી થઈ રહ્યા હોય એવા સંકેત મળી રહ્યા હોય તેવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. એક તરફ સમગ્ર દેશમાં કોવિડ વેક્સીનેશનનું પહેલું ચરણ ચાલી રહ્યું છે અને ૩૯ લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. તો બીજી તરફ ૨૪ કલાકમાં નવા પોઝિટિવ કેસોમાં જાેરદાર ઘટાડો નોંધાયો છે અને તેની સાથોસાથ મૃત્યુઆંક ૧૦૦ની નીચે પહોંચી ગયો છે.
દેશમાં કુલ ૩૯,૫૦,૧૫૬ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં માત્ર ૮,૬૩૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૭,૬૬,૨૪૫ થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૪ લાખ ૪૮ હજાર ૪૦૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૩,૪૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૬૩,૩૫૩ એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ ૯૭ ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૪૮૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯,૭૭,૫૨,૦૫૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં માત્ર ૬,૫૯,૪૨૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો, ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૯૮ નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ એક દર્દીના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૪૩૮૮ પર પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩,૫૧,૯૦૪ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં ૪૦૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૭.૦૫ ટકા છે.HS