સુરતના કાપડના વેપારીએ CAમાં સિધ્ધિ મેળવી: રોજ ૧૨ કલાકનો અભ્યાસ કરતો હતો
મુદિત સીએ ફાયનલમાં દેશમાં બીજા ક્રમે આવ્યો -સુરતના કુલ ૬ વિદ્યાર્થીઓને ટોપ ૫૦માં સ્થાન મળ્યું, મુદિતને એમબીએ કરીને ધંધો કરવાની ઈચ્છા
સુરત, તે દિવસમાં ૧૩-૧૩ કલાક સુધી વાંચતો હતો અને આખરે સોમવારે મહેતનું ફળ મળ્યું. ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્ધારા લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષામાં સુરતના કાપડ વેપારીના દીકરા મુદિત અગ્રવાલે દેશભરમાં બીજા ક્રમે આવીને ડંકો વગાડી દીધો છે અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. કાપડ વેપારીના એકના એક દીકરાએ સીએની પરીક્ષામાં ડંકો વગાડતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ સાથે મુદિતે બિઝનેસ કરવાની અને એમબીએ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
સુરતના કુલ ૬ વિદ્યાર્થીઓને ટોપ ૫૦માં સ્થાન મળ્યું છે. જેથી વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપનારા શિક્ષક રવિ છાવછરીયાએ ગર્વ વ્યક્ત કરતાં કહ્યું કે, સુરતમાંથી ફરી એકવાર દેશ લેવલે નામ રોશન કર્યું છે. મુદિત ઉપરાંત બીજા પાંચ વિદ્યાર્થીઓમાં વર્ષિલ દેસાઈ ૧૭માં ક્રમે, વિનય અગ્રવાલ ૨૪માં ક્રમે, ચંદ્રશેખર પાનસારી ૩૧માં ક્રમે, વિનય તાતેડ ૪૩માં ક્રમે અને અભિષેક સંઘવી ૪૭માં ક્રમે રહ્યો હતો. લોકડાઉન અને કોરોના સમય વચ્ચે પણ વિદ્યાર્થીઓએ ભરપૂર મહેનત કરી છે.
લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા જે દેશ લેવલ પર લેવાતી હોય છે તેમાંથી આ વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે.
મૂળ રાજસ્થાનના પણ વર્ષોથી સુરતના વેસુ વિસ્તારમાં રહેતો અગ્રવાલ પરિવારમાં ૨૨ વર્ષીય મુદિત એકનો એક દીકરો છે. પિતા કાપડના વેપારી છે. મુદિતને એક બહેન છે. ગત નવેમ્બર મહિનામાં ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી સીએની પરિક્ષા આપી હતી. જેમાં ૮૦૦માંથી ૫૮૯ માર્ક્સ સાથે દેશમાં બીજાે ક્રમ મેળવ્યો છે.
મુદિતે જણાવ્યું હતું કે, નવેમ્બરમાં પરીક્ષા હોવાના કારણે ૧૨-૧૩ કલાકનો અભ્યાસ કર્યો હતો. આ સિવાય પહેલા આખું વર્ષ તે ૬-૭ કલાકનો અભ્યાસ કરતો હતો. સીપીએસના ક્લાસના ટીચર રવિના માર્ગદર્શન સાથે અભ્યાસ કર્યો હતો. શોખ અંગે મુદિતે જણાવ્યું હતું કે, બેડ મિન્ટન, ચેસ, મ્યુઝિક, વાંચનનો શોખ છે. જ્યારે ફિલ્મમાં મોટિવેશન આપતી ફિલ્મ જેવી કે થ્રિ ઇડિયટ અને ગુરૂ સહિતની અનેક ફિલ્મ જાેઈ છે.
મુદિતે વધુમાં જણાવ્યું હતું કે, આગળ એમબીએ સાથે વેપાર કે વેપાર સાથે એમબીએ કરવાની ઈચ્છા છે. પહેલેથી જ અભ્યાસ પર ધ્યાન આપવું જાેઈએ જેથી આપણો આત્મા વિશ્વાસ વધે છે. માનસિક તણાવમાં અભ્યાસ ન કરવો જાેઈએ તેવો સીએની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો હતો.