Western Times News

Gujarati News

કૈલાશનાથ પાંડે દ્વારા પત્નિની પુણ્યતિથિ નિમિત્તે જીવન રક્ષક દવાઓનું વિતરણ

છેલ્લા ૧૪ વર્ષથી અવિરત કરવામાં આવતી માનવસેવા
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાના અગ્રણી સમાજ સેવક કૈલાશનાથ પાંડે દ્વારા તેમની પત્ની સ્વર્ગીય મીનાબેન પાંડેની પુણ્યતિથિ નિમિતે છેલ્લા ઘણા વર્ષોની જેમ આ વર્ષે પણ વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં જીવન રક્ષક દવાઓનો તેમજ વિવિધ ગ્લુકોઝની બોટલસનું તેમના પરિવારજનો, મિત્રો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

વિગતો મુજબ, વલસાડ જિલ્લાના અગ્રણી સમાજ સેવક કૈલાસનાથ પાંડે દ્વારા તેમના સ્વર્ગસ્થ પત્નિ સ્વ. મીનાબેન પાંડેની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા ૧૪ વર્ષ ઉપરાંતથી વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા ના શુભ આશય સાથે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જીવન રક્ષક દવાઓ તેમજ વિવિધ માંદગીના રોગોમાં અત્યંત ઉપયોગી વિવિધ ગ્લુકોઝની બોટલોનું હોસ્પિટલ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું,

પાંડે પરિવાર દ્વારા તેમના પરિવારમાં સ્વર્ગસ્થ મોભીના સ્મરણાર્થે અંદાજે ૪ લાખ રૂપિયાની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઝાડા ઉલટી, તાવ, મેલેરિયા, ટાઈફોઈડ જેવા રોગોમાં અત્યંત આવશ્યક અને મોંઘી દવાઓનો પણ સમાવેશ થાય છે આ સાથે વિવિધ માંદગીઓમાં અતિઆવશ્યક વિવિધ પ્રકારની રર૦૦ જેટલી ગ્લુકોઝ બોટલ્સનો પણ સમાવેશ થાય છે.

વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ આહીર, શાસક પક્ષના નેતા અને માજી નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી (જૈન) પાલિકા ઉપપ્રમુખ ઉર્મિબેન દેસાઈ, મૌલાના અબ્દુલ અઝીઝ, વલસાડ નગરપાલિકા હોસ્પિટલ કમિટીના ચેરમેન પ્રવીણભાઈ કચ્છી, નગરપાલિકાના માજી પ્રમુખ રાજેશભાઈ પટેલ (રાજુ મરચા), નગરપાલિકાના સભ્ય જાકીરભાઈ પઠાણ, વલસાડ ટાઉન પોલીસ મથકના પી.આઈ. એચ.જે. ભટ્ટ, નગરપાલિકાના સભ્યો સહિત અને પરિવારના સભ્યો, પરિજનો તેમજ મિત્રો હાજર રહ્યા હતા,

આ તકે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે મોર્ગ રૂમ (કોલ્ડ સ્ટોરેજ) બનાવવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે લાખ રૂપિયાની સહાય કરવાન જાહેરાત કરી હતી, પાલિકા પ્રમુખ પંકજભાઈ આહીર દ્વારા કૈલાશનાથ પાંડે તેમના પરિજનો તેમજ મિત્રો દ્વારા દર વર્ષે કરવામાં આવતી આ સહાય ને બિરદાવી નગરપાલિકા વતી આભાર વ્યકત કર્યો હતો.

આ તકે હોસ્પિટલના તબીબ રોહનભાઈ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે નગરપાલિકા દ્વારા ગુજરાત રાજય સરકારમાં કરવામાં આવેલ રજૂઆતોના પગલે ટૂંક સમયમાં સરકાર દ્વારા અંદાજે ૧૦ લાખ જેટલી રકમ ફાળવવામાં આવશે.

આ તબકકે વલસાડ, નવસારીના મેડિકલ રિપ્રેઝન્ટેટિવસ દ્વારા પણ તેમનો અમૂલ્ય સહયોગ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલના તબીબ ડોકટર રોહનભાઈ પટેલ તેમના ધર્મ પત્નિ ડોકટર દિવ્યાબેન પટેલ, ડોકટર વીરેન ભાઈ ડોડીયા તેમજ સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.