ખેડૂત આંદોલન પર પોપ સ્ટાર Rihanna એ કરેલી ટ્વીટ
નવી દિલ્હી: બારબાડોસની ઈન્ટરનેશનલ સ્તરે ખુબ જ પ્રખ્યાત પોપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનને સમર્થન આપતા અનેક ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતના આંતરિક મામલે હસ્તક્ષેપ કરવા બદલ પૂર્વ દિગ્ગજ બોલર પ્રજ્ઞાન ઓઝા એ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને જવાબ આપતા કહ્યું કે મારો દેશ અમારા ખેડૂતો પર ગર્વ કરે છે અને જાણે છે કે તેઓ કેટલા મહત્વપૂર્ણ છે.
૨૦૨૦માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેનારા આ બોલર પ્રજ્ઞાન ઓઝા એ આગળ લખ્યું કે મને વિશ્વાસ છે કે આ મામલાનો જલદી ઉકેલ આવી જશે. અમારે અમારા આંતરિક મામલાઓમાં કોઈ બહારની વ્યક્તિના હસ્તક્ષેપની જરૂર નથી. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે પાસ કરેલા કૃષિ કાયદાને લઈને ખેડૂતો બે મહિનાથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે.
ગણતંત્ર દિવસે દિલ્હીમાં લાલ કિલ્લા પર ખુબ હોબાળો મચ્યો હતો. જેના કારણે દિલ્હીની સરહદો પર સુરક્ષા ચુસ્ત કરાઈ છે અને પ્રદર્શન સ્થળોની આજુબાજુની જગ્યાઓ પર ઈન્ટરનેટ ઉપર પણ રોક લગાવવામાં આવી હતી.
દિલ્હીની બહારના વિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને રિહાના એ ટ્વીટ કરીને સમર્થન જાહેર કર્યું હતું. તેણે આંદોલનને રોકવા માટે ઈન્ટરનેટ બંધ થવાની પણ ટીકા કરી.
રિહાનાએ પોતાના ટિ્વટર હેન્ડલ પર ખેડૂત આંદોલન સંબંધિત એક રિપોર્ટ શેર કર્યો છે જેમાં ખેડૂતોનો પોલીસ સાથે ટકરાવ અને ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો ઉલ્લેખ કરાયો છે. તેણે રિપોર્ટ શેર કરીને કહ્યું કે આપણે આ વિશે વાત કેમ નથી કરી રહ્યાં?