૬ ફેબ્રુ.થી સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના તમામ વિભાગો દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે
· આશરે ૧૧ મહિના બાદ વિશ્વવિખ્યાત લાર્જ ફોર્મેટ ફિલ્મ ‘મીસ્ટીક ઈન્ડિયા’ હવેથી દરરોજ જોવા મળશે.
· ‘સચ્ચિદાનંદ’ વોટર શો, ઓડિયો એનિમેટ્રોનિક્સ શો, વિવિધ લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના પ્રદર્શનો અને રાઇડ્સ વગેરે તમામ આકર્ષણો શરૂ થતાં બાળકો અને યુવાનો આનંદમાં!
કોરોના મહામારીમાં જાહેર સ્વાસ્થ્યની જાળવણીના શુભ હેતુથી લાંબા સમય સુધી બંધ રહેલ અક્ષરધામના પ્રેરક પ્રદર્શનો આગામી શનિવાર તા: ૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યા છે.
સારવાર અને રસીકરણને કારણે મહામારીનું જોર ઘટી રહ્યું છે ત્યારે ભગવાનના દર્શન અને સંદેશનું પાન કરવાથી ભાવિક ભક્તોના આત્મવિશ્વાસ અને મનોબળમાં વૃદ્ધિ થશે એવી શુભ ભાવનાથી જગવિખ્યાત અક્ષરધામ મંદિરના તમામ વિભાગો પૂર્વવત શરૂ થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહામારીના વિકટ સંજોગોમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા અને સ્વામિનારાયણ અક્ષરધામે અનેક સેવા પ્રવૃત્તિઓ દ્વારા સમાજના તમામ વર્ગોને રાહત પંહોચાડી હતી. જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટેના સરકારશ્રીના આદેશો અને માર્ગદર્શિકાઓનું સચોટ પાલન કરવા સાથે તારીખ ૧લી ડીસેમ્બરથી ભગવાનના દર્શન અને સચ્ચિદાનંદ વોટર શો સહિત અક્ષરધામ મંદિરના કેટલાક મર્યાદિત વિભાગો શરૂ કરવામાં આવ્યા હતા.
એ વખતે અક્ષરધામ મંદિરના આયોજકોએ યાત્રાળુઓના સ્વાસ્થ્યની જાળવણી માટે તકેદારીના તમામ પગલાઓ લઈ એક દાખલો બેસાડયો હતો. અક્ષરધામ મંદિરના દર્શન માટેના આવા સુંદર આયોજન અને વ્યવસ્થાને નિહાળી યાત્રાળુઓ પણ સંપૂર્ણ સલામતી અને રાહત અનુભવતા હતા.
પાછલા બે મહિનાના આવા સફળતાપૂર્વક્ના અનુભવ બાદ અક્ષરધામ મંદિરના આયોજકોએ લીધેલા નિર્ણય અનુસાર આગામી શનિવાર તા: ૬ ફેબ્રુઆરીથી સ્વામિનારાયણ અક્ષરધામના તમામ વિભાગો સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૭:૩૦ કલાક સુધી ખુલ્લા રહેશે.
વર્ષોથી દેશવિદેશના દર્શનાર્થીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ ‘સચ્ચિદાનંદ’ વોટર શો દરરોજ સાંજે ૬:૪૫ કલાકે યોજાશે.
આ ઉપરાંત તમામ પ્રદર્શન ખંડો, રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધીઓ અને પ્રેરક પુસ્તકો મેળવવા માટેના બુક સ્ટૉલ, બાળકો-યુવાનો માટે રાઇડ્સ, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવતું પ્રેમવતી ઉપહાર ગૃહ પણ યાત્રિકોને આવકારવા સજ્જ થઈ ગયા છે. મહામારીના તણાવથી ત્રસ્ત અને હતાશ માનવી માટે અક્ષરધામનો સંપૂર્ણ આધ્યાત્મિક અનુભવ જરૂર સંજીવની સમો પૂરવાર થશે એવું શ્રદ્ધાળુઓનું માનવું છે.