મહારાષ્ટ્રમાં 75 લાખ લોકોના વીજ જોડાણ કપાશે: ભાજપે શરુ કર્યો વિરોધ
નવી દિલ્હી, ગુજરાતના પાડોશી રાજ્યમાં લાઈટ કનેક્શનને લઈને ઘમાસાણ મચ્યુ છે અને હવે ભાજપ આ મુદ્દે દેખાવો કરવા માટે મેદાનમાં આવી છે. મળતી વિગતો પ્રમાણે મહારાષ્ટ્રની સરકારી વીજ કંપનીએ બિલ નહીં ભરનારા 75 લાખ ગ્રાહકોના વીજ જોડાણ કાપી નાંખવાનુ નક્કી કર્યુ છે અને તેનાથી લગભગ 4 કરોડ લોકો પ્રભાવિત થાય તેમ છે.આ નિર્ણય સામે ભાજપે વિરોધ શરુ કર્યો છે અને ભાજપના નેતાઓ વિવિધ જિલ્લામાં વીજ કંપનીની ઓફિસો બહાર પ્રદર્શન કરી રહ્યા છે.
ભાજપનુ કહેવુ છે કે, કોરોના સંકટમાં નોકરીઓ જતી રહેવાથી લોકો બિલ નથી ભરી શક્યા.મહારાષ્ટ્ર સરકારે કોરોનાકાળમાં શરુઆતના તબક્કે વાયદો કર્યો હતો કે, વીજળી બિલ માફ કરવામાં આવશે પણ હવે સરકાર પોતાના વાયદાથી ફરી ગઈ છે. ભાજપના નેતાઓ માંગણી કરી રહ્યા છે કે, વીજ બિલની રકમનો ખર્ચો સરકાર પોતે ઉઠાવે અને લોકોના વીજ જોડાણ કાપે નહીં.ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં આ મુદ્દે આજે દેખાવો થઈ રહ્યા છે.