કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે જે લોહીથી પણ ખેતી કરી શકે છે.: કૃષિ મંત્રી
નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચામાં ભાગ લીધો હતો. સદનમાં ખેડૂત આંદોલનને લઈને પણ ચર્ચા કરી હતી. તોમરે નવા કૃષિ કાયદા પર ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કરતા કંઈક કહ્યું હતું કે વિરોધ પક્ષ પણ હસી પડ્યો હતો. તોમરે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતાં.
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, ત્રણેય કૃષિ કાયદાઓનો મુદ્દો હાલ જ્વલંત છે. હું વિરોધ પક્ષના નેતાઓને ધન્યવાદ દેવા માંગુ છું કે, તેમને સરકારને કોસવામાં સહેજ પણ કંજુસાઈ કરી નથી. કાયદાને કાળો કાયદો પણ ભારપૂર્વક કહેવામાં આવ્યો. બસ આમ કહેતા જ વિરોધ પક્ષના સાંસદો ખડખડાટ હસી પડ્યા હતાં. ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા તો મોં દબાવીને હસતા નજરે પડ્યાં હતાં.તોમરે આગળ ઉમેર્યુ હતું કે, હું બે મહિનાથી ખેડૂતોના યૂનિયનોને પણ એ જ પુછી રહ્યો છું કે, કૃષિ કાયદામાં કાળુ શું છે? મને કહો તો હું તેને સુધારવાનો પ્રયાસ કરીશ. મેં બધાની વાતો સાંભળી પણ કાયદાની જાેગવાઈ ખેડૂતો માટે પ્રતિકૂળ કેવી રીતે છેે તે વાત કોઈએ હજી સુધી કરી નથી.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો કાયદો ટેક્ષને ખતમ કરે છે જ્યારે રાજ્ય સરકારનો એક્ટ ટેક્ષ આપવા બાધ્ય કરે છે. હવે આ આંદોલન ટેક્ષ બંધ કરે છે તેના વિરૂદ્ધ હોવું જાેઈએ કે ટેક્ષ લેનારાઓ વિરૂદ્ધ? પરંતુ દેશમાં તો અવળી ગંગા વહી રહી છે. ભારતની સરકાર સંપૂર્ણ રીતે ખેડૂતો પ્રત્યે સમર્પિત છે. અમે ખેડૂતોને સમ્માન આપવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. ૧૨ વાર સમ્માનસહ બોલાવીને વાત કરવામાં આવી. અમે એક પણ શબ્દ ખેડૂતો વિરૂદ્ધ બોલ્યા નથી. હાં, અમે એમ જરૂર કહ્યું છે કે, જાે જાેગવાઈમાં કોઈ ભૂલ હોય તો અમારૂ ધ્યાન જરૂરથી દોરો. અમે તેમની ભાવનાને ધ્યામાં રાખીને જે બિંદુઓ ચિન્હિત કરી શકાય તેને કર્યા પણ.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, અમે ખેડૂતોના એક પછી એક પ્રસ્તાવ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. પરંતુ સાથે જ મેં એમ પણ કહ્યું હતું કે, ભારત સરકાર કોઈ પણ સંશોધન માંટે તૈયાર છે પરંતુ તેનો અર્થ એ નથી કે કાયદામાં કોઈ ભુલ છે. પરંતુ ખેડૂતો હજી આંદોલન કરી રહ્યાં છે. એક આખા રાજ્યમાં લોકો ગેરમાન્યતાનો ભોગ બન્યા છે. ખેડૂતોને એ વાતે ભરમાવવામાં આવ્યા છે કે, આ કાયદાથી તમારી જમીનો છીનવાઈ જશે. હું જાણવા માંગુ છું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કોઈ એક જાેગવાઈ આ પ્રકારની હોવાનું જણાવે. દુનિયા આખી કહે છે કે પાણીથી ખેતી થાય છે પરંતુ કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે જે લોહીથી પણ ખેતી કરી શકે છે. ભારતીય જનતા પાર્ટી ક્યારેય આ પ્રકારે લોહીની ખેતી નથી કરતી. આમ કહેતા જ કોંગ્રેસે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું.HS