અમરાઈવાડીમાં પરીવાર ઉંઘતો રહયો તસ્કરો કપડાં ઉપરાંત ઘર આંગણેથી વાહન પણ ચોરી ગયા
(પ્રતિનિધિ) અમદાવાદ, હાલમાં ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. પોલીસના ર૪ કલાકના પેટ્રોલિંગના દાવા છતાં ચોર બેફામ બનીને સમગ્ર શહેરને ધમરોળી રહયા છે. આ પરિસ્થિતિમાં અમરાઈવાડીમાં ત્રાટકેલા ચોરોએ દુકાનમાંથી કપડા, રોકડ ઉપરાંત ઘર આગળ મુકેલું વાહન પણ બિન્ધાસ્ત રીતે લઈ જતાં ચકચાર મચી છે. આ અંગે ૩૬ હજારના મુદ્દામાલની ચોરીની ફરીયાદ અમરાઈવાડી પોલીસ મથકે નોંધાઈ છે.
ઘટનાની વિગત એવી છે કે રામકુમાર યાદવ પરિવાર સાથે અમરાઈવાડીના શાસ્ત્રીનગર ખાતે રહે છે ત્રણ માળના મકાનના નીચેના ભાગે બનાવેલી દુકાનમાં તે પાનનો ગલ્લો તથા ચાની કિટલી ધરાવી વેપાર કરે છે જયારે દુકાનની પાછળ આવેલા રૂમમાં તેમના પત્ની કુસુમબેન સાડી તથા જીન્સ પેન્ટ વેચે છે. બુધવારે રાત્રે તે પરીવાર સાથે સુઈ ગયા બાદ ગુરૂવારે વહેલી સવારે કુસુમબેન જાગી જતાં દુકાન ખુલી જાેઈ હતી અને રૂમનો દરવાજાે પણ ખુલ્લો જાેતા બુમાબુમ કરી હતી જેથી પરીવાર જાગી જતાં તપાસ કરતા ૪,પ૦૦ રૂપિયાની રોકડ અને ૧૬,પ૦૦ રૂપિયાની સાડી-પેન્ટ ચોરી થયેલી જણાઈ હતી. ઘરની બહાર આવતા તેમનું એક્ટિવા પણ ચોરી થયાનું જાણ થતાં પરીવારે તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો.