કચ્છ પોલીસની કસ્ટડીમાં ૨ યુવકોનું મોત થતા ગઢવી સમાજ રોષે ભરાયો
ભૂજ, મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસે ત્રણ શકમંદ શખ્સોને ઉઠાવી લોકઅપમાં ઢોર માર માર્યો હતો. જે પૈકી અરજણ ગઢવી નામના યુવાનનું કસ્ટડીમાં મોત થયું હતું. જેથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.
ત્યાર બાદ પોલીસ ટોર્ચરને કારણે ઘાયલ થયેલા બે યુવાનોને ઉચ્ચ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. તેમાંથી પણ એક હરજાેગ હરિ ગઢવી નામના યુવકનું સોળ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. ત્યારે બે યુવકોના મોતથી કચ્છના ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છ પોલીસે ઘરફોડ ચોરીના આરોપમાં ત્રણ ગઢવી યુવકોની ધરપકડ કરી હતી. જેમાં અરજણ ગઢવી (રહે સમાઘોઘા) નામના યુવાનનું કસ્ટડીમાં મોત થયું હતું. તો પોલીસ ટોર્ચરને કારણે ઘાયલ થયેલા બે યુવાનોને ઉચ્ચ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. તેના બાદ હરજાેગ હરિ ગઢવી (ઉ.વ ૨૨ રહે સમાઘોઘા) નું સોળ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. અસહ્ય મારને કારણે હરજાેગની બંને કિડનીઓ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી. ઘટનાના સમાચાર મોડી સાંજે વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા વાતાવરણ ચોમેરથી ગંભીર બન્યું છે.