Western Times News

Gujarati News

બાબરા નજીક ટ્રકે ૭૦ ઘેટાંને અડફેટે લીધા, ૨૨ને કચડી માર્યા

અમરેલી, અમરેલી જિલ્લાના બાબરાના ચરખા ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા ૭૦ જેટલા ઘેટાંઓને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જેમાંથી ૨૨ જેટલા ઘેટાંના મોત નીપજ્યાં હતા જ્યારે ૧૨ જેટલા ઘેટાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રક ચાલકે ઘેટાં અડફેટે લેતા લોકો એકઠાં થયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી.

માલધારી સમાજે ઘેટાંના મોતમાં ટ્રક માલિક દ્વારા વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલી જિલ્લામાં આવેલા ભાવનગર-રાજકોટ હાઇવે પર બાબરાના ચરખા ગામે ૭૦ જેટલા ઘેટાં રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા. એ સમયે રાજકોટ તરફથી પુરપાટ ઝડપે આવતી ટ્રકે ઘેટાંઓને અડફેટે લીઇ ૨૨ ઘેટાંઓને કચડી માર્યા હતા. મહેશ ભરવાડ ઘેટાંઓને ચરાવવા માટે લઇ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

ઘેટાંઓના મોતથી માલધારી સમાજમાં રોષ જાેવા મળ્યો હતો. જ્યારે અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ બાદ મોટી સંખ્યામાં માલધારી સમાજ સહિતના લોકો એકઠાં થયા હતા અને બેફામ ચલાવતા વાહનચાલકો સામે નારાજગી વ્યક્ત કરી હતી.

બનાવ બાદ ઘેટાંના માલિક મહેશ ભરવાડે જણાવ્યું છેકે, હું ઘેટાં ચરાવવા માટે જઇ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતી ટ્રેક ઘેટાંઓને અડફેટે લીધા હતા. જેમાં ૨૨ ઘેટાંના મોત થયાં છે અને ૧૨ ઘાયલ છે. ટ્રક માલિક સ્થળ પર આવે અને જે જાનમાલનું નુકસાન થયું છે તેનું તાત્કાલિક ધોરણે વળતર ચૂકવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.