૩૩ લાખ ખેડૂતો પાસેથી કિસાન સન્માન નિધિની રકમ પાછી લેશે
નવી દિલ્હી: જાે તમે ખોટી માહિતી આપીને કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવ્યો છે તો સરકાર તમારી પાસેથી રિકવર કરવા જઈ રહી છે. કોઈ પણ સમયે તમારી પાસે નોટિસ આવી શકે છે અને ત્યારબાદ તમારે સરકારી પૈસા પાછા આપવા પડશે. કેન્દ્ર સરકાર દર વર્ષે ૬૦૦૦ રૂપિયા કિસાન સન્માન નિધિ તરીકે ખેડૂતોને આપે છે.
પરંતુ તેની કેટલીક ગાઈડલાઈન્સ છે. જેનું પાલન કરવું ખુબ જરૂરી છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે સંસદમાં કહ્યું હતું કે અયોગ્ય ખેડૂતો પણ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આવકવેરો ભરનારા કેટલાક ખેડૂતો પણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. યોજના હેઠળ ૩૨.૯૧ લાખ અયોગ્ય લાભાર્થીઓના ખાતામાં ૨૩૨૬ કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા છે.
રાજ્ય સરકાર આવા લોકોની જાણકારી મેળવીને તેમના વિરુદ્ધ કેસ દાખલ કરી રહી છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં આપેલા જવાબમાં જણાવ્યું કે યોજનાનો ખોટો લાભ ઉઠાવનારા ખેડૂતોની તપાસ થઈ રહી છે. તામિલનાડુ સરકારે આવા લગભગ ૬ લાખ ખેડૂતોની જાણકારી મેળવી છે
જેમની પાસેથી ૧૫૮.૫૭ કરોડ રૂપિયાની વસૂલાત પણ થઈ ચૂકી છે. અન્ય રાજ્યોમાં પણ તપાસ ચાલુ છે. સરકારી આંકડા મુજબ હજુ ૨ હજાર કરોડ કરતા વધુની વસૂલી બાકી છે. અમે તમને જણાવ્યું છે કે કયા પ્રકારના ખેડૂતો કિસાન સન્માન નિધિનો ફાયદો ઉઠાવી શકે છે. જાે તમે સરકારને કોઈ ખોટી જાણકારી આપી નથી અને તમે કિસાન સન્માન નિધિનો ફાયદો ઉઠાવ્યો છે તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. તમારી પાસેથી કિસાન સન્માન નિધિની રકમ સરકાર વસૂલશે નહીં.