Western Times News

Gujarati News

અમદાવાદમાં એક યુવતી સહિત ૩ નકલી પત્રકારો ઝડપાયા

અમદાવાદ: દિવાળીનું શું છે? આવું વાક્ય દિવાળી પહેલા દુકાનોમાં કામ કરતા કર્મચારીથી માંડી અનેક લોકોના મોઢે સાંભળવા મળતું હોય છે. પૂર્વ વિસ્તારમાં કેટલાક નકલી પત્રકારોની ટોળકી પણ આ રીતે લોકો પાસે પૈસા ઉઘરાવતી હોય છે. ત્યારે ખોખરામાં એક દુકાનમાં દિવાળીના પાંચ હજાર માંગવા નીકળેલી પત્રકારની ટોળકીને લોકોએ ઘેરી વળતા આખરે ખોખરા પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે આ ટોળકી પાસેથી સંયમ વિકલી પ્રેસ અને તથ્ય ન્યૂઝના આઈકાર્ડ પણ મળી આવ્યા હતા. રામોલમાં રહેતા જાેગેન્દ્રસિંહ ચૌહાણ ખોખરામાં પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાન ધરાવે છે. શનિવારે તેઓ દુકાને હાજર હતા ત્યારે એક મહિલા અને બે પુરુષો તેમની દુકાને પત્રકારની ઓળખ આપીને આવ્યા હતા. એમાંથી એક શખ્સે કહ્યું કે દિવાળીનું શુ છે? એટલે જાેગેન્દ્રસિંહએ કહ્યું દિવાળી છે તો શું છે? તો આ શખ્સોએ કહ્યું કે, તમારું દિવાળીનું બાકી છે.

દિવાળીના ૫ હજાર આપજાે કહેતા જ જાેગેન્દ્રસિંહે કહ્યું હતુ કે તેઓ ખોટું કરતા નથી તો પૈસા શેના? સાથે જાેગેન્દ્રસિંહએ કહ્યું કે, હાલ તેઓ પાસે પૈસા પણ નથી. જાેકે, ટોળકીએ રોકડા રૂપિયા ન હોય તો ગૂગલ પે કરવાનું કહ્યું હતું. જાેગેન્દ્રસિંહ પાસે પૈસા ન હોવાથી આ ટોળકીએ કહ્યું કે, આજે પૈસા નથી તો કાલે લેવા આવીશું. ધંધો કરવો હોય તો પૈસા તો આપવા જ પડશે. આટલું કહીને આ શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા.

બાદમાં રવિ નામના શખ્સે થોડીવાર બાદ ફોન કરી પૈસા માંગ્યા હતા. બાદમાં રવિવારના રોજ આ ટોળકી ફરી આવી હતી અને પૈસાનું શું કર્યું તેમ કહી જાેગેન્દ્રસિંહ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. જાેગેન્દ્રસિંહે પ્રેસના આઇકાર્ડ માંગતા આ શખ્સોએ સંયમ વિકલી પ્રેસનું આઈકાર્ડ બતાવ્યું હતું.

આ ટોળકીમાં જૂના વાડજ ખાતે રહેતા રવિ પરમારે સંયમ વિકલી પ્રેસ, તથ્ય ન્યૂઝનું આઈકાર્ડ બતાવનાર અંકિતા ગોહિલ અને શૈલેષ બોડાણા નામના શખ્સો હતા. આ શખ્સોએ જાેગેન્દ્રસિંહને કહ્યું કે, તમામ લોકો પૈસા આપે છે. તમારે પણ આપવા પડશે નહીં તો તમારું બધું છાપામાં છપાવી દઈશ. જાેકે, આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા પોલીસને બોલાવાઈ હતી. ખોખરા પોલીસે સ્થળ પર પહોંચીને તોડ કરવા નીકળેલી પત્રકાર ટોળકીના સભ્યોની અટકાયત કરી લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.