લતા મંગેશકર, સચિન તેંડુલકર સહિતના સેલિબ્રિટીની ટ્વીટની થશે તપાસ, ઉદ્ધવ સરકારનો નિર્ણય
મુંબઈ, પોપ સ્ટાર રિહાનાની ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ બાદ બોલિવુડ અને રમત જગત સાથે સંકળાયેલી વિવિધ હસ્તિઓ દ્વારા જે ટ્વીટ કરવામાં આવી તેને લઈ ઉદ્ધવ સરકારે મહત્વનું પગલું ભર્યું છે. મહારાષ્ટ્ર સરકારે આ તમામ સેલિબ્રિટી દ્વારા ટ્વીટ કરવામાં આવી તેને લઈ તપાસનો આદેશ આપ્યો છે. થોડા દિવસો પહેલા વિદેશ મંત્રાલય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી ત્યાર બાદ લતા મંગેશકર, સચિન તેંડુલકર, બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગણ સહિત અનેક હસ્તિઓએ ટ્વીટ કરી હતી. આ ટ્વીટ્સમાં તેમણે ઈન્ડિયા ટુગેધર અને ઈન્ડિયા અગેન્સ્ટ પ્રચારના હેશટેગ પણ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકર અને લતા મંગેશકર ‘ભારત રત્ન’થી સન્માનિત હસ્તિઓ છે.
મહારાષ્ટ્ર સરકારે ઈન્ટેલિજન્સ વિભાગને આ ટ્વીટ્સ વિરૂદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ દ્વારા આ પ્રકારની ટ્વીટ્સને લઈ ફરિયાદ કરવામાં આવી હતી અને મોટા ભાગની ટ્વીટની પેટર્ન એક હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કોંગ્રેસના ડેલિગેશનને આશ્વાસન આપ્યું છે કે, મહારાષ્ટ્ર પોલીસનો ઈન્ટેલિજન્સ વિભાગ ભારતીય હસ્તિઓની ટ્વીટની તપાસ કરશે અને આ પ્રકારની ટ્વીટ માટે ભાજપનું કોઈ દબાણ હતું કે નહીં તે જાણશે.
MNS પ્રમુખ રાજ ઠાકરેએ પણ કલાકારોની ટ્વીટને લઈ સરકાર પર હુમલો કર્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે લતા મંગેશકર અને સચિન તેંડુલકરને પોતાના વલણના સમર્થનમાં ટ્વીટ કરવા નહોતું કહેવુ જોઈતું અને તેમની પ્રતિષ્ઠા દાવ પર નહોતી મુકવી જોઈતી. હવે તેમણે સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો સામનો કરવો પડશે. સાથે જ તેમણે સરકારે પોતાના અભિયાન માટે અક્ષય કુમાર જેવા કલાકારોના ઉપયોગ પૂરતું જ સીમિત રહેવું જોઈએ તેમ પણ કહ્યું હતું.