બ્લાસ્ટમાં પતિનું મોત, પત્નીએ પાંચ મહિનાના બાળક સાથે વીડિયો કૉલ પર જોયા અંતિમ સંસ્કાર
લુધિયાણા: અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં શનિવારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં લુધિયાણાના સની સિંહનું મોત થઈ ગયું હતું. આ ઉપરાંત આ બ્લાસ્ટમાં શીખ સમુદાયના બે અન્ય લોકો ઘાયલ થયા હતા. સનીના અંતિમ સંસ્કાર કાબૂલમાં જ કરવામાં આવ્યા હતા. તેમની પત્ની ત્યાં પહોંચી શકી ન હતી. આથી તેમણે મોબાઇલ ફોનમાં જ વીડિયો કૉલ પર પતિના અંતિમ સંસ્કારજોયા હતા. સની અફઘાનિસ્તાનમાં મસાલા અને દવાઓનો બિઝનેસ કરતો હતો.
સની ગત વર્ષે ઓક્ટોબરમાં પિતા બન્યો હતો, પરંતુ કાબૂલમાં રહેતો હોવાથી તે એક પણ વખત પોતાના પુત્રને મળી શક્યો ન હતો. રવિવારે સનીના અંતિમ સંસ્કાર થયા ત્યારે પુત્ર તેની માતાના ખોળામાં રમી રહ્યો હતો. સનીની પત્ની વીડિયો કૉલ મારફતે પતિના અંતિમ સંસ્કાર નિહાળી રહી હતી. સની પુત્રની તબિયત પૂછવા માટે દરરોજ પત્નીને ફોન કરતો હતો. અંગ્રેજી વર્તમાનપત્ર ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા સનીની પત્નીએ જણાવ્યું કે, તેનો પતિ ગત વર્ષે કાબૂલ ગયો હતો. “શુક્રવારે રાત્રે સનીનો ફોન આવ્યો હતો અને બાળકની તબીયત પૂછી હતી. શનિવારે બ્લાસ્ટમાં તેનું મોત થયું હતું,” તેમ સનીની પત્નીએ જણાવ્યું હતું.
અફઘાન શીખ હરિન્દર સિંહ ખાલતા કે જેમનો પરિવાર લુધિયાણા ખાતે રહે છે, તેમણે જણાવ્યું કે, “વિસ્ફોટ સમયે સની, ચૂચા સિંહ અને શેર સિંહ શોર બજારમાં પોતાની દુકાનોમાં હતા. દુકાનોને ખૂબ નુકસાન થયું છે. ચૂચા સિંહ અને શેર સિંહનો પરિવાર લુધિયાણામાં છે. સનીનો જન્મ કાબૂલમાં થયો છે. શનિવારે જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સનીની માતા અને ભાઈ કાબૂલમાં છે પરંતુ પત્ની અને પુત્રી લુધિયાણામાં છે. તે લુધિયાણા જવાનો પ્લાન ઘડી રહ્યો હતો. પરંતુ નસિબે તેનો સાથ આપ્યો ન હતો.”