જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ રાજીનામું આપ્યું
બહેરામપુરામાં પેનલ પસંદ થયા બાદ વધુ બે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા નારાજ ધારાસભ્યએ છેડો ફાડ્યો
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ભારતીય જનતા પક્ષના ઉમેદવારોએ વિધિવત પ્રચાર શરૂ કર્યા છે જ્યારે કોંગ્રેસમાં હજી સુધી રીસામણા-મનામણા ચાલી રહ્યા છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અનેક વોર્ડમાંથી કાર્યકરો રાજીનામા આપ્યા છે. જ્યારે સોમવારે જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ પણ પ્રદેશ પ્રમુખને રાજીનામું આપ્યું છે. પરંતુ પાર્ટી કાર્યકર તરીકે કામ કરવા તેમજ જમાલપુર વોર્ડ માટે પસંદ કરવામાં આવેલા ઉમેદવારો માટે પ્રચાર કરવાની ખાત્રી પણ આપી છે. બહેરામપુરા વોર્ડમાં પસંદગી પ્રક્રિયા મામલે થયેલ ગરબડ બાદ ખેડાવાળાએ રાજીનામું આપ્યું છે.
કાંગ્રેસ પક્ષ દ્વારા મહાનગર સેવા સદનની ચૂંટણી માટે વિધિવત-ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું નહતું. તે કેટલાક કિસ્સામાં સ્થાનિક ધારાસભ્યો કે વોર્ડ હોદ્દેદારોને પણ તેમના ઉમેદવારોની પૂરતી માહિતી મળી ન હતી. તેમજ જ્યારે ઉમેદવારોના નામ તેમને સોંપવામાં આવ્યા ત્યારે અનેક વોર્ડમાં ભડકા થયા છે. ઈન્ડીયા કોલોની અને સરસપુર વોર્ડમાંથી મોટી સંખ્યામાં કાર્યકરોેએ રાજીનામા આવ્યાં છે. જ્યારે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ખેડાવાળાએ પણ બહેરામપુરા વોર્ડમાં ૦૬ ઉમેદવારોને મેન્ડેટ આપવા બદલ વિરોધ નોંધવી પ્રદેશ પ્રમુખને રાજીનામું આપ્યું છે.
ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાના જણાવ્યા મુજબ બહેરામપુરા વોર્ડ માટે નિરીક્ષકો દ્વારા કમળાબેન ચાવડા, કમરૂદ્દીન પઠાણ, તસ્લીમ તિરમીઝી અને નગમાબેન રંગરેઝના નામ ફાઈનલ કરવામાં આવ્યા હતા તથા તેમને પક્ષનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પક્ષના કેટલાક નેતાઓ દ્વારા કોઈને પણ વિશ્વાસમાં લીધા વિના વધુ બે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જેના કારણે બહેરામપુરામાંથી ૦૬ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. પાર્ટી દ્વારા પેનલ પસંદ થયા બાદ બે ઉમેદવારોને જે રીતે મેન્ડેટ આપવામાં આવ્યા છે. તેના વિરોધમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સમક્ષ રાજીનામુ આપ્યું છે. પક્ષ દ્વારા રાજીનામાનો સ્વીકાર કરવામાં નહીં આવે તો વિધાનસભા અધ્યક્ષ પાસે જઈને રાજીનામું આપી આવીશ. પાર્ટી દ્વારા પેનલ બહાર તથા દબાણવશ મેન્ડેટ આપવામાં આવેલા ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવશે તો રાજીનામું પરત લેવામાં આવશે. અન્યથા પાર્ટી કાર્યકર તરીકે કામ કરી જમાલપુરની પેનલ માટે પ્રચાર કરીશ તેમ ઈમરાન ખેડાવાલાએ વધુમાં જણાવ્યું હતું.
કોંગ્રેસ પક્ષના સૂત્રોએ જણાવ્યા મુજબ બહેરામપુરામાં પેનલ પસંદ થયા બાદ રફીકભાઈ શેઠજી અને શાહજહાં અન્સારીને પણ મેન્ડેટ આપવામાં આવ્યાં છે. એક ધારાસભ્યના દબાણ બાદ આ બંનેને મેન્ડેટ આપવામાં આવ્યા છે. જેની સામે કમરૂદ્દીન પઠાણ અને નગમાબેન રંગરેજની બાદબાકી થઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે ધારાસભ્યના દબાણના કારણે મહિલા ઉમેદવાર તરીકે શાહજહાં અન્સારીને મેન્ડેટ આપવામાં આવ્યો છે. તેને સ્થાનિક કાર્યકરો પણ ઓળખતા નથી તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.