દેશ ભરોસાથી નહીં, બંધારણ ને કાયદાથી ચાલે છેઃ ટિકૈત
વડાપ્રધાનની અપીલ બાદ સરકાર તારીખ, સમય આપે ખેડૂતો વાતચીત માટે તૈયાર હોવાનો ખેડૂત નેતાનો દાવો
નવી દિલ્હી, સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આંદોલન ખતમ કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે મુદ્દોને વાટાઘાટો દ્વારા ઉકેલવો જાેઇએ. વડાપ્રધાનની અપીલ પછી ખેડૂતોએ પણ સરકાર સાથે વાતચીત માટે તૈયારી બતાવતા સરકારને તારીખ નક્કી કરવા જણાવ્યું હતું.
બીજી બાજુ ભારતીય કિશાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે વડાપ્રધાને આજે કહ્યું છે કે એમએસપી છે, હતું અને રહેશે પરંતુ તેમણે એ નથી કહ્યું કે ન્યૂનતમ સમર્થન મુલ્ય પર કાયદો બનાવાશે, દેશ ભરોસા પર નથી ચાલતો તે બંધારણ અને કાયદા પર ચાલે છે.
વડાપ્રદાને સોમવારે સંસદમાં કહ્યું કે અમે આંદોલનમાં જાેડાયેલા લોકોને સતત પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવું એ આપનો અધિકાર છે પણ વડીલો પણ ત્યાં બેઠા છે તેમને લઈ આવો, આંદોલન ખતમ કરો. પછી બેસીને ચર્ચા કરીશું તમામ રસ્તા ખુલ્લા છે. આ તમામ અમે કહ્યું છે અને આજે પણ હું આ ગૃહના માધ્યમથી નિમં૬ણ આપું છું.
જાેકે આંદોલનકારી ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે પ્રદર્શનકારીઓની એક નવી જમાત પેદા થઇ ગઇ, જેને આંદોલનજીવી કહેવામાં આવે છે. ખેડૂત સંગઠનોનું કહેવુ હતું કે લોકતંત્રમાં વિરોધ પ્રદર્શનોની ભૂમિકા મહત્વની છે.
આ મુદ્દે સંયુક્ત કિસાન મોરચાના નેતા શિવ કુમાર કક્કાનું કહેવુ હતું કે કિસાન સંગઠનો આગળના તબક્કે વાતચીત માટે તૈયાર છે અને સરકારે તેમને તારીખ અને સમયની જાણકારી આપવી જાેઇએ. ખેડૂત નેતાનું કહેવુ હતું કે સરકાર સાથે વાતચીતથી અમે ક્યારે ઇનકાર નથી કર્યો, જ્યારે પણ વાતચીત માટે બોલાવવામાં આવ્યા અમે મંત્રીઓ સાથે વાતચીત કરી.
આ પહેલા ૧૧માં સ્તરની બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી ત્રણ નવા કાયદાઓને ૧૨થી ૧૮ મહિના સુધી સ્થગિત કરવાનો પ્રસ્તાવ ખેડૂત નેતાઓ સામે રાખવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોએ તેનાથી ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે, દિલ્હીની સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો નવેમ્બરથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.