ભાભર-સુઈગામ હાઈવે પર બાઈક સ્લિપ થતાં બેનાં મોત
ડીસા: બનાસકાંઠામાં ભાભર- સુઇગામ હાઇવે પર ત્રણ સવારી બાઇક સ્લીપ ખાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઇક સવાર માતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો છે. બનાવને પગલે ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાભર સુઈગામ હાઈવે પર આવેલ હરિધામ ગૌશાળા પાસે બાઇક સ્લીપ ખાતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત થવાની ઘટના સામે આવી છે.
સૂઇગામ તાલુકાના ઉચોસણ ગામનો ઠાકોર પરિવાર મૈયતમાંથી બાઈક પર ત્રણ સવારીમાં પરત ફરી રહ્યા હતા તે સમયે હરિરામ ગૌશાળા પાસે અચાનક બાઈક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પરથી રોડ પર પટકાતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા માતા-પુત્રનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.
મૃતકોમાં જાસુબેન હમજીભાઈ બેનપા અને વિપુલ બળવંત બેનપાનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તનું નામ ઈશ્વર હમજીભાઈ બેનપા છે. બનાવને પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો.
બનાવને પગલે ભાભર પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોની લાશને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૈયત માંથી પરત ફરી રહેલા માતા-પુત્રનું અકસ્માતમાં મોત થતા ઠાકોર પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.