ગુલામ નબીની રાજ્યસભામાંથી વિદાય, આતંકવાદી ઘટનાનો ઉલ્લેખ કરીને ભાવુક થયા PM મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વખત રાજ્યસભાને સંબોધિત કરી હતી. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સહિત કુલ 4 સાંસદોએ આજે સદનમાંથી વિદાય લીધી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગુલામ નબી આઝાદની ભરપૂર પ્રશંસા કરી હતી. એક આતંકવાદી ઘટના બાદ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર જે વાત થઈ હતી તેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદી સદનમાં ભાવુક થઈ ગયા હતા. વડાપ્રધાને ગુલામ નબીની પ્રશંસા કરતા જણાવ્યું કે, તેઓ અહીંના ઘરમાં બગીચો સંભાળે છે જે કાશ્મીરની યાદ અપાવે છે.
વડાપ્રધાને જણાવ્યું કે, જ્યારે આતંકવાદીઓએ ગુજરાતના યાત્રિકો પર હુમલો કર્યો ત્યારે સૌથી પહેલા ગુલામ નબી આઝાદજીએ તેમને ફોન કર્યો હતો. તે ફોન ફક્ત સૂચના આપવા માટે જ નહોતો પરંતુ ફોન પર ગુલામ નબી આઝાદના આંસુ નહોતા રોકાઈ રહ્યા.
વડાપ્રધાને જણાવ્યું કે, તે સમયે પ્રણવ મુખર્જી સંરક્ષણ મંત્રી હતા અને તેમના પાસેથી સેનાના હવાઈ જહાજની વ્યવસ્થાની માંગ કરવામાં આવી હતી. તે સમયે ગુલામ નબી આઝાદે એરપોર્ટ પરથી જ ફોન કર્યો હતો. જેવી રીતે પોતાના પરિવારજનોની ચિંતા કરવામાં આવે છે તેવી રીતે જ આઝાદજીએ તેમની ચિંતા કરી હતી. વધુમાં જણાવ્યું કે, જીવનમાં સત્તા તો મળતી રહે છે પરંતુ તેને કેવી રીતે ઓળખવી તે ગુલામ નબી આઝાદજી પાસેથી શીખવા મળે છે. સાથે જ એક મિત્ર તરીકે તેઓ આઝાદજીનો ખૂબ જ આદર કરે છે તેમ પણ જણાવ્યું હતું.