“હું એ ખુશનસીબો પૈકીનો એક છું જે કદી પાકિસ્તાન નથી ગયો”: ગુલામ નબી આઝાદ
નવી દિલ્હી, રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા ત્યાર બાદ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદની આંખોમાંથી પણ આંસુ વહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તેને યાદ કરીને ગુલામ નબીએ પોતે તે સમયે મોટે-મોટેથી રડી પડ્યા હતા તેમ જણાવ્યું હતું. ગુલામ નબીએ દેશમાંથી આતંકવાદના ખાત્મા અને કાશ્મીરી પંડિતોના આશિયાના ફરીથી આબાદ કરવામાં આવે તેવી કામના કરી હતી.
કાશ્મીરમાં પ્રવાસીઓ પર જે આતંકવાદી હુમલો થયો અને કેટલાક પ્રવાસીઓ માર્યા ગયા તેમાં કેટલાક ગુજરાતીઓ પણ હતા. વડાપ્રધાન આ ઘટનાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા અને ગુલામ નબીએ પણ વિદાય ભાષણમાં તેને યાદ કરીને પોતાની લાગણી પ્રદર્શિત કરી હતી.
તેમણે જણાવ્યું કે, એ દુર્ઘટના બાદ તેઓ જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે પીડિત પરિવારના બાળકો તેમને પકડીને રડવા લાગ્યા હતા. એ દૃશ્ય જોઈને તેમના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી અને પરમાત્મા પાસે આ દેશમાંથી આતંકવાદ ખત્મ કરવા પ્રાર્થના કરી હતી.
ગુલામ નબી આઝાદે કાશ્મીરી પંડિતોનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે પ્રયત્ન કરવા આગ્રહ કર્યો હતો અને તેને અનુલક્ષીને એક શેર પણ સંભળાવ્યો હતો.
આ ઉપરાંત તેમણે પોતાની જાતને એવા ખુશનસીબો પૈકીની એક ગણાવી હતી જે કદી પાકિસ્તાન નથી ગયા. વધુમાં તેમણે પોતે જ્યારે પણ પાકિસ્તાન વિશે વાંચે છે કે સાંભળે છે ત્યારે ભારતીય મુસ્લિમ હોવા અંગે ગૌરવ અનુભવે છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનમાં જે સામાજીક બદીઓ છે તે ભારતમાં નથી. સાથે જ તેમણે ભારતીય મુસ્લિમોમાં તે પ્રકારની સામાજીક બદીઓ ન આવે તે માટે પણ કામના કરી હતી.