ખાડામાં ઊંધા માથે પડેલા બાઈક સવારને ૧૨ કલાકે બહાર કઢાયો
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાની ચોંકાવનારી ઘટના-ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મહેનત બાદ તેને ખાડામાંથી બહાર કાઢ્યો અને સ્થાનિક હોસ્પિટલમાં મોકલી આપ્યો
હરદોઈ, ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના હરપાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક સવાર યુવક એક ખાડામાં ઊંધો પડી ગયો હતો અને આખી રાત ખાડામાં રહ્યો હતો. સોમવારે સવારે ગામલોકોએ યુવકને ખાડામાં ઊંધો ફસાયેલો જાેઈને ચોંકી ઉઠ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ખૂબ જ મહેનત બાદ તેને ખાડામાંથી બહાર કાઢ્યો અને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. લગભગ ૧૨ કલાક સુધી યુવક ખાડામાં ઊંધો ફસાયેલો રહ્યો હતો. હાલ યુવકની હાલત જાેખમમાંથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ પોલીસ સ્ટેશન વિસ્તારના જાહૈયાપુર ગામનો રહેવાસી અવનીશ પુત્ર રામેન્દ્ર હરદોઇમાં ટેલરિંગનું કામ કરે છે. રવિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ તે હરદોઈથી બાઇક લઇને તેના ઘરે આવી રહ્યો હતો. ત્યારે હરપાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇકોનોરા ગામની નજીક પહોંચતા જ બાઇકનું આગળનું ટાયર ખાડામાં પડતા જ યુવક ઉછળીને રસ્તાની બાજુના ઊંડા ખાડામાં માથાના ભાગે પડ્યો હતો.
યુવકનું માથાથી કમરના ભાગ સુધીનું શરીર ખાડામાં હતું અને રાતથી સવાર સુધી યુવક આ સ્થિતિમાં જ ફસાયેલો રહ્યો. સવારે જ્યારે ગામના લોકોએ જાેયું તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જાે કે, ગામના લોકો યુવકને ખાડામાં કાઢી ન શકતા હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગામલોકોની મદદથી ખાડાની આસપાસ ખોદકામ શરૂ કર્યું હતું.
લગભગ બે કલાકની જહેમત બાદ યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. ખાડામાંથી બહાર કાઢ્યા બાદ પોલીસે એમ્બ્યુલન્સની મદદથી યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ અધિક્ષક કપિલ દેવસિંહે કહ્યું કે યુવકને સી.એચ.સી. માં દાખલ કરાયો છે જ્યાં તેની હાલત હવે જાેખમથી બહાર છે. તેમણે કહ્યું કે આ અકસ્માત કેવી રીતે થયો તે યુવકના હોશમાં આવ્યા પછી જ જાણી શકાશે.