નિધન પહેલા રાજીવ કપૂરે મિત્રની દીકરીને અભિનંદન પાઠવ્યા હતા
મુંબઈ: મંગળવારે બોલિવુડ એક્ટર અને પ્રોડ્યૂસર રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર થયા. મંગળવારે હાર્ટ એટેક આવ્યા બાદ તેમનું નિધન થયું હતું. તેમના મોટાભાઈ રણધીર કપૂર તેમને તાત્કાલિક ચેમ્બુરમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જાે કે, ડોક્ટરોએ પૂરતો પ્રયાસ કર્યો છતાં તેમને બચાવી શક્યા નહીં. જીવન આટલું ક્રૂર કેમ હોય છે?
રાજીવ કપૂર આ અઠવાડિયે ખૂબ ઉત્સાહિત હતા. આગામી રવિવારે એટલે કે ૧૪મી ફેબ્રુઆરીએ તેઓ ૩ દશકા બાદ આશુતોષ ગોવારિકરની ફિલ્મ તુલસીદાસ જુનિયર’થી બોલિવુડમાં કમબેક કરવા અંગે મીડિયા સાથે વાતચીત કરવાના હતા. તેઓ છેલ્લે ૧૯૯૦માં આવેલી ફિલ્મ ‘જિમ્મેદાર’માં જાેવા મળ્યા હતા. રાજીવ કપૂરે તેમના લોન્ગ-ટાઈમ સ્ક્રૂલ ફ્રેન્ડ રાજીવ ખન્નાને મૃત્યુની આગલી રાતે ફોન પણ કર્યો હતો. ‘સાચું કહીએ તો, રાજીવ કપૂર એવા વ્યક્તિ હતા,
જેઓ બીજાને ખુશ જાેઈને પોતે ખુશ થતાં હતા. આ એવી બાબત છે જે મોટાભાગના લોકોમાં જાેવા મળતી નથી’, તેમ સૂત્રોએ કહ્યું. પ્રોડ્યૂસર-એક્ટર વિવેક વાસવાણી અને રાજીવ કપૂરે એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. વિવેક રાજ કપૂરના સૌથી નાના દીકરા કરતાં એક વર્ષ સીનિયર હતા. સૂત્રોએ જણાવ્યું કે, ‘આ લોકોનું વોટ્સએપ ગ્રુપ હતું.
જેનાથી તેઓ સતત સંપર્કમાં રહેતા હતા. વોટ્સએપ ગ્રુપમાં બધા એક્ટિવ રહેતા હતા. સોમવારે રાજીવ ખન્નાએ તે ગ્રુપમાં ન્યૂ યોર્કમાં રહેતી તેમની દીકરી સાથે કંઈક સારું થયું હોવાના ન્યૂઝ શેર કર્યા હતા. આ વાંચીને રાજીવ કપૂર એટલા ખુશ થઈ ગયા હતા કે તેમણે રાજીવ ખન્નાને ફોન કર્યો હતો અને આ વિશે વાત કરી હતી.
આ સિવાય તેમની દીકરીને અભિનંદન પણ પાઠવ્યા હતા. મંગળવારે બપોરે રાજીવ કપૂરના અવસાનના સમાચાર પ્રસરી ગયા. રાજીવ ખન્નાએ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલ્યો કે, તેમણે હજુ આગલી રાતે જ રાજીવ કપૂર સાથે વાત કરી હતી.