બનાસ નદીમાં ન્હાવા પડેલા પિતા-પુત્ર પૈકીના પુત્રનું મોત
અમદાવાદ, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટણા ગામેથી પસાર થતી બનાસ નદીમાં ન્હાવા પડેલા પિતા-પુત્ર પૈકી નદીના ધસમસતા પ્રવાહમાં અચાનક તણાઇને જુવાનજાધ પુત્ર ડૂબી જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પિતાની નજર સામે જ જુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકનો માતમ પથરાયો હતો, તો સમગ્ર પંથકમાં પણ બનાવને પગલે ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસરા ગામના પિતા પુત્ર ટોટણા અસાલાડી પાસેથી પસાર થતી બનાસ નદીમાં આજે ન્હાવા પડયા હતા.
જા કે, નદીમાં પાણીન આવક અને પ્રવાહ વધુ હોવાથી પુત્ર અલ્તાફખાન અચાનક સમતોલન ગુમાવતાં પાણીમાં તણાયો હતો અને તે ડૂબી ગયો હતો. જુવાનજાધ પુત્રને ધસમસતા પ્રવાહમાંથી બચાવવામાં વૃધ્ધ પિતા મહેબૂબખાન બલોચ પણ અસફળ રહ્યા હતા. જેને પગલે આખરે ૨૦ વર્ષીય અલ્તાફખાન નદીના પાણીમાં ડૂબી જતાં મોતને ભેટયો હતો. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જુવાનજાધ પુત્રના મોતને લઇ બલોચ પરિવારમાં શોકનો માતમ પથરાઇ ગયો હતો તો સ્થાનિક ગ્રામજનોમાં પણ ભારે અરેરાટની લાગણી પ્રસરી ગઇ હતી. આ બનાવ અંગે થરા પોલીસે જરૂરી તપાસ હાથ ધરી હતી.