‘દૃશ્યમ’ ફિલ્મને અનેકવાર જોઈ 13 વર્ષના કિશોરે કરી હત્યા! પોલીસ તપાસમાં થયો ખુલાસો
મુંબઈ. પુણે પોલીસએ 2 ફેબ્રુઆરીએ 11 વર્ષના એક બાળકની હત્યાના મામલામાં 13 વર્ષીય કિશોરની ધરપકડ કરી છે. પુણેના કોથ્રુડ વિસ્તારમાં ગત મહિનાની 31 તારીખે બાળકની લાશ મળી આવી હતી. પુણે પોલીસના ઝોન-3ની ડેપ્યૂટી પોલીસ કમિશ્નર પૂર્ણિમા ગાયકવાડએ કહ્યું કે, આરોપી સગીર છે. અમે તેની ધરપકડ કરી લીધી છે. તે સગીર હોવાથી તેના વિશેની અમે વધુ જાણકારી નહીં આપી શકીએ.
પાઉડ રોડની પાસે એક ખુલ્લા મેદાનમાં બાળકની લાશ મળી હતી. ત્યારબાદ બાળકની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. 29 જાન્યુઆરીની સાંજે જ્યારે તેનો દીકરો ઘર પરત ન આવ્યો તો મહિલા પહેલીવાર પોલીસની પાસે પહોંચી હતી. તેના બે દિવસ બાદ 31 જાન્યુઆરીએ બાળકની લાશ મળી. મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી કિશોરે ખૂબ જ ચાલાકીથી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો, જેની રીત દૃશ્યમ ફિલ્મથી ઘણી મળતી હતી. પોલીસે જણાવ્યું કે કિશોરે આ ફિલ્મને ડાઉનલોડ કરીને અનેકવાર જોઈ અને પછી હત્યાને અંજામ આપ્યો.
મૃતક બાળકના મામાએ કહ્યું કે, જે દિવસે અમે પોલીસમાં ફરિયાદ કરી હતી, તે રાત્રે અમે આરોપી છોકરાના ઘરે પૂછવા માટે ગયા હતા કે શું તેને આ વિશે કંઈ માહિતી છે. પરંતુ તેના માતા-પિતાએ દરવાજો ખોલ્યો જ નહીં. તેમણે ફોન પર જ અમારી સાથે વાત કરીને જણાવ્યું કે તેમને આ વિશે કંઈ માહિતી નથી. બીજા જ દિવસે તેઓ ઘર છોડીને જતા રહ્યા અને પુણેથી દૂર ચાલ્યા ગયા. પોલીસના ફોન કર્યા બાદ જ તેઓ પુણે પરત આવ્યા. અમારા બાળકની ક્રૂર હત્યા કરવામાં આવી છે. જો આરોપી છોકરાને સજા ન મળી તો આ પ્રકારના બીજા પણ અનેક અપરાધ કરશે.