ટનલમાં ફસાયેલાઓનો કુલ મૃત્યઆંક ૩૨ ઉપર પહોંચ્યો
ચમોલી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઋષિગંગામાં રવિવારે આવેલા જળપ્રલયથી ભારે વિનાશ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૦૬ લોકો લાપતા હોવાનું જણાયું છે. હાઈડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં કામ કરી રહેલા મજૂરો ફસાયા હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન પણ ચાલુ છે. ૨૫-૩૫ મજૂરો ટનલમાં ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. મંગળવારે વધુ ચાર લોકોના મૃતદેહ મળ્યા હતા જેને પગલે કુલ મૃત્યુઆંક ૩૨ પર પહોંચી ગયો છે.
રેની-તપોવન દુર્ઘટનામાં વીજ પ્રોજેક્ટની ટનલમાં ત્રણ દિવસથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કપરું બની રહ્યું છે. ટનલની અંદર પાણીના ધસમસતા પ્રવાહ સાથે કાટમાળ પણ ઘુસી ગયો છે. કાટમાળને ખસેડીને લોકોને બચાવવાની જહેમત સ્ટેટ ડિઝાસ્ટર તેમજ નેશનલ ડિઝાસ્ટર ફોર્સની ટીમ કરી રહી છે. આ ઉપરાંત લશ્કર અને આઈટબીપીના જવાનો પણ તૈનાત છે. ટનલની અંદર કાટમાળ વચ્ચે અંદર ફસાયેલા લોકો સુધી પહોંચવું ભારે મુશ્કેલીરૂપ બની રહ્યું છે.
તપોવન પાવર પ્રોજેક્ટમાં બે ટનલ છે. બે કિ.મી. લાંબી મુખ્ય ટનલ સંપૂર્ણ બંધ થઈ ગઈ છે. મુખ્ય ટનલથી ૧૮૦ મીટર લાંબી અન્ય એક ટનલ છે. આ ટનલ દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી ચાલુ છે. બીજી ટનલની સાથે એક ૪૫૦ મીટરની સંલગ્ન ટનલ પણ છે જ્યાં લગભગ ૩૦ મજૂરો ફસાયા હોવાની સંભાવના છે. જ્યારે પાંચ મજૂરો બે કિ.મી લાંબી મુખ્ય ટનલમાં ફસાયા છે. મંગળવાર સાંજ સુધી ૧૫૦ મીટર સુધી જ બચાવ ટુકડીના સભ્યો પહોંચી શક્યા હતા જેમાં જેસીબી ૧૨૦ મીટર સુધી પહોંચી શક્યું હતું.SSS