પેટ્રોલ ડીઝલના ભાવની અન્ય દેશોની સાથે ભારતની સરખામણી કરવી ખોટી છે: પેટ્રોલિયમ મંત્રી
નવીદિલ્હી, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે પેટ્રોલ ડીઝલના ઝડપથી વધતા ભાવો પર રાજ્યસભામાં સવાલોના જવાબ આપ્યા. ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ ડીઝલના ભાવની પાડોશી દેશોની સરખામણી પર કહ્યું કે આમ કહેવું યોગ્ય નથી કે ઓઈલના ભાવ અત્યારે સૌથી વધુ છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ વિશંભર પ્રસાદ નિષાદે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં સવાલ પૂછ્યો હતો કે સીતામાતાની ધરતી નેપાળમાં પેટ્રોલ ડીઝલ સસ્તું છે. રાવણના દેશ શ્રીલંકામાં ભારત કરતા ઓછા ભાવ છે તો પછી રામના દેશમાં સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઓછા કરશે?
અત્રે જણાવવાનું કે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પેટ્રોલ ડીઝલ રેકોર્ડ ભાવે વેચાયું. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે તેલના ભાવ પર ઉઠેલા સવાલોનો જવાબ આપતા કહ્યું કે ‘આમ કહેવું યોગ્ય નથી કે ઈંધણ ઓઈલના ભાવ અત્યારે સૌથી વધુ છે.’
તેલના ભાવો પર પાડોશી દેશો સાથે સરખામણી પર તેમણે કહ્યું કે આ દેશોની સાથે ભારતની સરખામણી કરવી ખોટી છે. કારણ કે ત્યાં સમાજના કેટલાક જ લોકો તેનો ઉપયોગ કરે છે. કેરોસિનના ભાવમાં ભારત અને આ દેશોમાં ખુબ અંતર છે. બાંગ્લાદેશ અને નેપાળમાં કેરોસિન લગભગ ૫૭ રૂપિયાથી ૫૯ રૂપિયામાં મળે છે. જ્યારે ભારતમાં કેરોસિનની કિંમત ૩૨ રૂપિયા પ્રતિ લીટર છે. ઓઈલના ભાવ ઓલ ટાઈમ હાઈ હોવા પર તેમણે કહ્યું કે આ ‘અસંગત’ છે.
પ્રશ્નકાળમાં તેમને કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પૂછ્યું કે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓલ ટાઈમ હાઈ છે. જ્યારે ક્રુડ ઓઈલના ભાવ ઓલ ટાઈમ હાઈ નથી. દેશમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાની નજીક પહોંચી રહ્યું છે. તેમણે એ પણ પૂછ્યું કે એક્સાઈઝ ડ્યૂટીને કેટલીવાર વધારવામાં આવી છે?
જેના પર પેટ્રોલિયમ મંત્રીએ જવાબ આપતા કહ્યું કે આજે ઈન્ટરનેશનલ ક્રુડ ઓઈલનો ભાવ ૬૧ ડોલર છે. આપણે ટેક્સના કેસ ખુબ સાવધાનીથી હેન્ડલ કરવા પડે છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે છેલ્લા ૩૦૦ દિવસમાં ૬૦ દિવસ એવા છે કે જ્યારે ભાવ વધ્યા હતા. પેટ્રોલના ભાવ ૭ દિવસ ઘટાડવામાં આવ્યા, જ્યારે ડીઝલના ભાવ ૨૧ દિવસ ઘટ્યા. આ બાજુ ૨૫૦ દિવસ એવા છે કે જ્યારે ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આથી આ કેમ્પેઈન કરવું ખોટું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઓલ ટાઈમ હાઈ છે. આ અસંગત છે.HS