ખોખરા વોર્ડમાં કાકા-ભત્રીજા વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે
ખોખરા વોર્ડમા કોંગ્રેસના ઉમેદવાર મધુ પરમાર કાકા છે, તો ભાજપમાં ચેતન પરમાર ઉમેદવાર ભત્રીજાે છે.
અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા માટે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે કુલ ૭૭૧ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપનો ૧ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૧૯૧ ઉમેદવારો અને કોંગ્રેસના ૧૮૮ ઉમેદવાર મેદાનમાં છે. તો બહુજન સમાજ પાર્ટીના ૫૪ અને આમ આદમી પાર્ટીના ૧૫૫ ઉમેદવારો મેદાનમાં છે. તેમજ અપક્ષમાં ૮૬ અને અન્ય પક્ષોના ૫૬ ઉમેદવારો મેદાનમાં છે.
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આરપારનો જંગ શરૂ થઈ ગયો છે. ખોખરા વોર્ડમાં કાકા-ભત્રીજા સામસામે ઉતર્યા છે. ખોખરા વોર્ડમા કોંગ્રેસના ઉમેદવાર મધુ પરમાર કાકા છે, તો ભાજપમાં ચેતન પરમાર ઉમેદવાર ભત્રીજાે છે. કાકા-ભત્રીજા બંનેએ એકબીજા આક્ષેપ કર્યા છે.
ભાજપના ઉમેદવાર ચેતન પરમારે કોંગ્રેસ પર ગંદી રાજનીતિના ભાગરૂપે તેના કાકાને ટિકિટ આપી હોવાના આરોપ લગાવ્યા. તો બીજી તરફ કાકા મધુ પરમારે આરોપો પર વળતો જવાબ આપ્યો કે, બાપ-દાદાના શરીરમાં વર્ષોથી કોંગ્રેસનું લોહી દોડ્યું છે. ખોખરા વોર્ડમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોનો વિજય થશે.
અમદાવાદનાં ખોખરા વોર્ડમાં ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ખોખરા વોર્ડમાં કાકા-ભત્રીજા વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે. ખોખરા વોર્ડમાં કાકા-ભત્રીજા વચ્ચે રમાઈ રહેલા ચૂંટણીના જંગમાં ભત્રીજા ચેતન પરમાર પોતાના કાકા મધુભાઈ પરમારને સમજાવી રહ્યા છે કે, હજી પણ સમય છે તમે માની જાઓ મારી સામે હારી જશો તો વધારે અપમાન થશે અને મારા કાકા કોંગ્રેસની ગંદી રાજનીતિનાં શિકાર બની ગયા છે, જ્યારે ચેતન પરમારનાં પિતા પણ પોતાના ભાઈને સમજાવી રહ્યા છે કે, ચૂંટણીનાં જંગમાં ઉતરો નહી અને ભત્રીજા પાસે સરેન્ડર થઇ જાઓ.
ભત્રીજા અને હરીફ ઉમેદવાર ચેતન પરમારની સલાહ બાદ કોંગ્રેસ ઉમેદવાર કાકા મધુભાઈ પરમાર પલટવાર ભત્રીજા પર કરી રહ્યા છે. મધુભાઈ પરમારને વિશ્વાસ છે કે, કાકા-ભત્રીજાનાં જંગમાં કાકાનો વિજય થશે અને ગંદી રાજનીતિના શિકાર ચેતન પરમાર પોતે થઈ ગયા છે. તેમનો આખો પરિવાર કોંગ્રેસી હોવાનો દાવો કરી રહ્યા છે.